Mon May 11 2026

Logo

સન્ડે થ્રિલરમાં બેંગ્લૂરુ નંબર વન, મુંબઈ આઉટ

2026-05-11 07:04:00
Author: Ajay Motiwala
Article Image

કોહલીના બૅક-ટુ-બૅક ઝીરો પછી કૃણાલનો કરિશ્મા: રસિખને ‘સલામ'

રાયપુરઃ મુંબઈ (20 ઓવરમાં 7/166)નો રવિવારે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુ (20 ઓવરમાં 8/167) સામેના દિલધડક મુકાબલામાં પરાજય થયો હતો અને પાંચ ટાઇટલ જીતનારી મુંબઈની ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

રાજ બાવાની 20મી ઓવરમાં વાઇડ-નો બૉલની ભરમાર વચ્ચે મુંબઈની જીત નિષ્ફળ બની હતી. રસિખ સલામે (ત્રણ અણનમ) મૅચના અંતિમ બૉલમાં જરૂરી બે રન દોડીને બેંગ્લૂરુને રોમાંચક વિજય અપાવ્યો હતો. સાંજે મુંબઈની ચાર વિકેટ લેનાર ભુવનેશ્વર (સાત અણનમ)ની સિક્સરે પણ જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.

જે મૅચમાં નાનો ભાઈ હાર્દિક પંડ્યા અનફિટ હોવાને કારણે ન રમ્યો એમાં તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા (73 રન, 46 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) ઈજા છતાં લડ્યો હતો અને મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો.

કૃણાલે 32મા બૉલ પર હાફ સેન્ચુરી પૂરી કર્યા પછી સિક્સર ફટકારી હતી. જોકે થોડી જ વાર બાદ કૉર્બિન બૉશ્ચે (26 રનમાં ચાર વિકેટ) પોતાની અંતિમ (ચોથી) ઓવરના છેલ્લા બે બૉલમાં જિતેશ શર્મા (18 રન) અને ટિમ ડેવિડ (0)ની વિકેટ લઈને બેંગ્લૂરુને મોટી મુશ્કેલીમાં મૂકી દીધું હતું. શેફર્ડ ત્યારે કૃણાલ સાથે જોડાયો હતો. દીપક ચાહરનો એક બૉલ કૃણાલને પેટમાં વાગ્યો હતો અને પગમાં ક્રેમ્પ્સ આવી જતાં તે નીચે પટકાયો હતો અને તરત તેને સારવાર અપાઈ હતી.

રવિવારની મુંબઈ-બેંગ્લૂરુ મૅચમાં બે દિગ્ગજ બૅટ્સમૅન પોતાના પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી બેઠા હતા. બેંગ્લૂરુના ભુવનેશ્વરના બૉલમાં મુંબઈનો કાર્યવાહક સુકાની સૂર્યકુમાર સ્લિપમાં વિરાટ કોહલીને કૅચ આપી બેઠો હતો. મુંબઈએ 20 ઓવરમાં સાત વિકેટે 166 રન કર્યા હતા. યોગાનુયોગ, પછીથી કોહલીએ પણ ગોલ્ડન ડકમાં વિકેટ ગુમાવી હતી. તે સતત બીજી મૅચમાં શૂન્યમાં આઉટ થયો. પાછલી મૅચમાં તે લખનઊના પેસ બોલર પ્રિન્સ યાદવના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. રવિવારે તે મુંબઈના દીપક ચાહરના આઉટસ્વિંગરમાં મિડ-ઑફ પર રાજ બાવાના હાથમાં કૅચઆઉટ થયો હતો. બાવાએ સુંદર ડાઇવિંગ કૅચ ઝીલ્યો હતો. હાર્દિક અનફિટ હોવાને લીધે રવિવારની બેંગ્લૂરુ સામેની મૅચમાં નહોતો રમ્યો.

એ પહેલાં, રવિવારે ચેન્નઈ સામેના આંચકાને કારણે પ્લે-ઑફની રેસમાંથી નીકળી ગયેલા લખનઊએ હાર જોઈ ત્યાર બાદ બીજી મૅચમાં મુંબઈએ બેંગ્લૂરુ સામે 20 ઓવરમાં સાત વિકેટે માંડ 166 રન બનાવ્યા હતા. આ લૉ-સ્કોરિંગ મૅચ જીતીને બેંગ્લૂરુને પૉઇન્ટ્સમાં નંબર-વન થવાનો મોકો મળ્યો હતો. પહેલા 28 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. રોહિત શર્મા માત્ર બાવીસ રન કરીને આઉટ થઈ ગયો અને સૂર્યકુમાર પહેલા જ બૉલ પર વિકેટ ગુમાવી બેસતા ટીમની ઇમેજને વધુ વિપરીત અસર થઈ છે. તિલક વર્માના 57 રન અને નમન ધીરના 47 રન ટીમમાં સૌથી વધુ હતા. વિલ જૅક્સે (10 રન) પણ નિરાશ કર્યા હતા. મુંબઈની સાતમાંથી ચાર વિકેટ ભુવનેશ્વર કુમારે ફક્ત 23 રનમાં મેળવી હતી. ભુવીનો આ વખતની ટૂર્નામેન્ટનો હાઇએસ્ટ 21 વિકેટનો પર્ફોર્મન્સ ટીમ ઇન્ડિયામાં તેના પાછા ફરવા માટે પર્યાપ્ત છે. હૅઝલવૂડ, રસિખ સલામ અને શેફર્ડને મુંબઈની એક-એક વિકેટ મળી હતી.

સોમવારે દિલ્હી-પંજાબની ટક્કર

ધરમશાલાઃ અહીં સોમવારે (સાંજે 7.30 વાગ્યાથી) પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે ટક્કર થશે. પંજાબને પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ટૂમાં આવવા આ મૅચ જીતવી ઘણી આવશ્યક છે, જ્યારે આઠમા નંબરના દિલ્હી પાસે ફક્ત આઠ પૉઇન્ટ છે એટલે એના માટે પણ વિજય અત્યંત જરૂરી છે. અક્ષર પટેલના સુકાનમાં દિલ્હી સોમવારની મૅચ અગાઉ છેલ્લી સતત બે મૅચ અને શ્રેયસ ઐયરનું પંજાબ લાગલગાટ ત્રણ મૅચ હાર્યું છે. પચીસમી એપ્રિલે દિલ્હીએ ઘરઆંગણે પંજાબ સામે મોટો આઘાત સહેવો પડ્યો હતો, કારણકે એના ઓપનર કેએલ રાહુલના અણનમ 152 રન તેમ જ નીતીશ રાણાના 91 રન છતાં છેવટે દિલ્હીએ પરાજય જોયો હતો. એ અભૂતપૂર્વ મૅચમાં દિલ્હીએ બે વિકેટે 264 રન બનાવ્યા બાદ પંજાબે માત્ર બે બૅટ્સમેનના 70-પ્લસ રનની મદદથી સાત બૉલ બાકી રાખીને ચાર વિકેટના ભોગે 265 રનનો વિક્રમજનક ચેઝ હાંસલ કર્યો હતો.