Wed Sep 02 2026

Logo

આ કારણે થયું મુંબઈ ઈન્ડિયન્સનું પતન? સીએસકે સામેની હાર બાદ હાર્દિક પંડ્યાએ કોના માથે ફોડ્યું ઠીકરું

2026-05-03 18:13:00
Author: Darshana Visaria
આ કારણે થયું મુંબઈ ઈન્ડિયન્સનું પતન? સીએસકે સામેની હાર બાદ હાર્દિક પંડ્યાએ કોના માથે ફોડ્યું ઠીકરું

હાલમાં ક્રિકેટપ્રેમીઓ પર ક્રિકેટના મહાકુંભ ગણાતા આઈપીએલનો ખુમાર છવાયેલો જોવા મળી રહ્યો છે. આ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સને લઈને હાર્દિક પંડ્યાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આઈપીએલ 2026ની સિઝન એમઆઈ ખૂબ જ નિરાશાજનક અને આત્મમંથન કરાવનારી સાબિત થઈ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ આ વખતે મેદાન પર રણનીતિ અને અમલીકરણ બંને મોરચે વિખેરાયેલી જોવા મળી રહી છે. હાર્દિક પંડ્યાએ ટીમના પતન માટે કોણ કારણભૂત છે એ વિશે સ્ફોટક ખુલાસો કર્યો છે. ચાલો જોઈએ શું છે આ ખુલાસો... 

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની કારમી હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે આ સિઝન મુંબઈ ઈન્ડિયન્સની નથી. હાર્દિક પંડ્યાનું આ સ્ટેટમેન્ટ માત્ર તેની કે ટીમની હારની કબૂલાત નહીં પણ ટીમના નબળા આત્મવિશ્વાસ અને સંપૂર્ણ માળખાકીય નિષ્ફળતાનો પણ પુરાવો છે.

ઓન પેપર મજબૂત લાગતી આ ટીમ મેદાન પર પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહી છે. મુંબઈ ઈન્ડિયનો સૌથી વિશ્વાસુ કહી શકાય એવો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ પોતાના ફોર્મને જાળવી રાખવા માટે સ્ટ્રગલ કરતો જોવા મળી રહ્યો છે. આ સિવાય ટીમના એક્સપિરીયન્સ્ડ બોલર્સ જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ પણ સામેની બેટ્સમેનો પર પ્રેશર બનાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. તિલક વર્મા યુવા પ્રતિભા હોવા છતાં તે મેચને જીત સુધી લઈ જવાની પકડ બનાવી શકતો નથી.

જ્યારે વાત કરીએ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના પર્ફોર્મન્સની તો એક ઓલરાઉન્ડર તરીકે બેટિંગ કે બોલિંગ બંનેમાં કોઈ મહત્ત્વનું યોગદાન આપી શક્યું નથી. મેચ દરમિયાન બોલિંગમાં ફેરફાર કરવામાં વિલંબ અને ફિલ્ડ પ્લેસમેન્ટમાં આત્મવિશ્વાસનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. કટોકટીના સમયે ટીમને માર્ગદર્શન પૂરું પાડવાને બદલે ટીમ અને કેપ્ટન બંને જાતે દિશા શોધી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે.

આઈપીએલની સિઝન શરૂ થાય એ પહેલાં રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને સુકાન સોંપવામાં આવ્યું હતું. વર્તમાન પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ટીમના નેતૃત્વમાં ફેરફાર કરવાનો આ પ્રયોગ નિષ્ફળ રહ્યો છે અને તેણે ટીમનું આખું બેલેન્સ ખોરવાઈ ગયું છે.

વાત કરીએ પ્લેઓફના સમીકરણ વિશે તો સીએસકે સામેની હાર બાદ હવે મુંબઈ માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય જેવું છે. હવે મુંબઈએ માત્ર પોતાની તમામ મેચો મોટા માર્જિનથી જીતવી પડશે એટલું જ નહીં, પરંતુ અન્ય ટીમોના હાર-જીતના સમીકરણો પર પણ આશા રાખવી પડશે.