Tue Sep 15 2026

Logo

હાર્બર લાઈન પર લોકલ ટ્રેન સેવા ખોરવાઈ! OHE વાયર ડેમેજ થતાં સીએસએમટી-પનવેલ રૂટ પ્રભાવિત,

2026-08-26 17:09:39
Author: Darshana Visaria
હાર્બર લાઈન પર લોકલ ટ્રેન સેવા ખોરવાઈ! OHE વાયર ડેમેજ થતાં સીએસએમટી-પનવેલ રૂટ પ્રભાવિત,

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનસેવા પૈકીની હાર્બર લાઈન પર બુધવારે ટેકનિકલ ખામી સર્જાતાં ટ્રેનવ્યવહાર સંપૂર્પણપણે ખોરવાઈ ગયો હતો. લોકલ ટ્રેનના છત પર લાગેલા પેન્ટોગ્રાફમાં અચાનક એક પક્ષી ફસાઈ જવાને કારણે જોરદાર સ્પાર્કિંગ સાથે ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો, જેને કારણે ટ્રેનસેવા ખોરવાઈ હતી અને પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. 

આ ટેકનિકલ સમસ્યાના કારણે અપ અને ડાઉન બંને રૂટ પરની લોકલ ટ્રેનો અટકી પડી હતી, જેના પરિણામે ઓફિસ અને કામે જતા હજારો દૈનિક પ્રવાસીઓ સ્ટેશનો તથા ટ્રેનોમાં કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.

હાર્બર લાઈન પર દોડતી લોકલ ટ્રેનના પેન્ટોગ્રાફમાં અચાનક એક મોટું પક્ષી અથડાઈને ફસાઈ ગયું હતું. પક્ષી ફસાતાં જ શોર્ટ સર્કિટ અને ભારે સ્પાર્કિંગ થયું હતું, જેના કારણે હાઈ-ટેન્શન ઓવરહેડ વાયર (OHE) ક્ષતિગ્રસ્ત થઈને તૂટી ગયો હતો. પાવર સપ્લાય ખોરવાઈ જતાં જે-તે સેક્શનમાં દોડતી લોકલ ટ્રેનોના પૈડાં થંભી ગયા હતા.

ટ્રેનસેવા અચાનક ખોરવાઈ જતાં વિવિધ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી.  વચ્ચેના ટ્રેક પર ટ્રેનો ઊભી રહી જતાં અસંખ્ય પ્રવાસીઓ જીવના જોખમે ટ્રેક પર નીચે ઉતરીને ચાલીને નજીકના સ્ટેશને પહોંચવા મજબૂર બન્યા હતા. સીએસએમટી, વાશી અને પનવેલ તરફ જતી લોકલ સેવાઓ અડધો થી પોણો કલાક મોડી પડતાં કામકાજના સમયે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ઘટનાની જાણ થતાં જ મધ્ય રેલવેની ટાવર વેગન અને ટેકનિકલ એન્જિનિયરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તૂટેલા ઓવરહેડ વાયરનું રિપેરિંગ કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. પાવર સપ્લાય પુનઃસ્થાપિત કર્યા બાદ ધીમે ધીમે ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો, જોકે મોડી સાંજ સુધી લોકલ સેવાઓ નિર્ધારિત સમય કરતાં ૧૫ થી ૨૦ મિનિટ મોડી દોડી રહી હતી.