મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં ભારે ભીડ હોવી સામાન્ય વાત છે. આવી અતિશય ભીડને કારણે અવારનવાર મુસાફરો પ્લેટફોર્મ પર પડી જવાના કે ઈજાગ્રસ્ત થવાના બનાવો બનતા હોય છે. આવી જ એક દર્દનાક ઘટના મધ્ય રેલવેના ડોંબિવલી રેલવે સ્ટેશન પર બની હતી. જ્યાં ટ્રેનમાંથી ઊતરતી વખતે અતિશય ભીડના કારણે એક 23 વર્ષીય યુવતી પ્લેટફોર્મ પર પડી ગઈ હતી. પરંતુ આ સમયે ડ્યૂટી પર તહેનાત મધ્ય રેલવેની મહિલા હેડ ટિકિટ કલેક્ટર (TC)એ પોતાની ફરજ અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, આ ઘટના ડોમ્બિવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ પર બની હતી. ટિકિટ ચેકિંગ હેડ ટિકિટ કલેક્ટર વૃષાલી સાવંત જાધવ ત્યાં ડ્યૂટી પર હતા. એ દરમિયાન ટ્રેનમાંથી ઊતરતી વખતે 23 વર્ષીય મુસાફર પૂજા નામની યુવતી ભીડના ધક્કાના કારણે પ્લેટફોર્મ પર પડી ગઈ હતી. તેની પાછળ ઊતરી રહેલા અન્ય મુસાફરો પણ તેના પર પડ્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને પોતાની જાતે ઊભી પણ થઈ શકતી નહોતી.
અકસ્માત બાદ પ્લેટફોર્મ પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિની ગંભીરતા સમજીને મહિલા ટીસી વૃષાલી જાધવે તરત જ સ્ટેશન એનાઉન્સરને કૂલી બોલાવવા કહ્યું. પરંતુ ઈજાગ્રસ્ત યુવતીની અસહ્ય પીડા અને હાલત જોઈને તેમણે કૂલીના આવવાની રાહ જોઈ નહીં. તેમણે જાતે જ ઈજાગ્રસ્ત યુવતીને પોતાના ખોળામાં ઊંચકી લીધી અને દોડીને સ્ટેશન માસ્ટરની ઓફિસે પહોંચાડી. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવતીને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ મહિલા ટીસીની બહાદુરી અને સ્ફૂર્તીના વખાણ કરતાં નથી થાકી રહ્યા. મધ્ય રેલવે દ્વારા પણ આ ઘટનાનું સીસીટીવી ફૂટેજનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તમે પર આ વાઈરલ થઈ રહેલો વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.
મધ્ય રેલવે પ્રશાસન દ્વારા પણ હેડ ટીસી વૃષાલી જાધવની આ સમયસૂચકતા અને સાહસિક કામગીરીની ભારે પ્રશંસા કરવામાં આવી છે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેમના સમયસરના હસ્તક્ષેપને કારણે જ મુસાફરને ત્વરિત તબીબી સારવાર મળી શકી. રેલવે પ્રશાસન દ્વારા તમામ મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે ટ્રેનમાં ચડતી અને ઊતરતી વખતે સાવચેતી રાખવી અને પહેલાં ઊતરનારા મુસાફરોને જગ્યા આપવી.