Thu Jul 23 2026

Logo

ઇન્ટરસ્ટેટબસોને મુંબઈમાં પ્રવેશબંધી

2026-05-20 08:43:00
Author: Sapna Desai
Article Image

દહિસર ઓક્ટ્રોય નાકા પર ૧,૪૮૧ કરોડના ખર્ચે ટ્રાન્સપ્રોટેશન અને કમર્શિયલ હબ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની બહારથી આવતી આંતરરાજ્ય  બસોના પ્રવેશ પર બહુ જલદી પ્રતિબંધ આવવાનો છે. મુંબઈના છેવાડે બંધ પડી ગયેલા દહિસર ઓક્ટ્રોય નાકાની જમીન પર ૧,૪૮૧ કરોડ રૂપિયાના ખર્ચે ટ્રાન્સપોર્ટેશન અને કમર્શિયલ હબનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુંબઈના એન્ટ્રી પોઈન્ટ પર જ ઈન્ટરસિટી અને ઈન્ટરસ્ટેટ બસને રોકી દેવાનો છે, જેનાથી શહેરમાં ટ્રાફિકની ભીડ ઘટાડવામાં મદદ મળશે.  હબનું કામ આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તો માનખુર્દના ઓક્ટ્રોય નાકાના પુનર્વિકાસ માટે જાહેર-ખાનગી ભાગીદાર (પીપીપી) મોડેલની શોધ કરવામાં આવી રહી છે.

દહિસર ખાતે ૧૮,૬૦૪ ચોરસ મીટરના પ્લોટ પર બની રહેલું આ હબ મુંબઈ માટે એક મહત્ત્વનું પરિવહન અને વ્યવસાય પ્રવેશદ્વાર તરીકે ઊભરી આવશે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વ્યૂહાત્મક રીતે સ્થિત  મુંબઈ-અમદાવાદ હાઈવે અને મેટ્રો લાઈન-૯ અને ૧૦ પર પાંડુરંગવાડી ઈન્ટરચેન્જ મેટ્રો સ્ટેશન સાથે સીમલેસ ક્નેક્ટિવીટી સાથે આ હબ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરીય રાજ્યોની ઈન્ટરસ્ટેટ બસને સેવા આપશે.

આ પ્રોજેક્ટમાં ૩૫૩ ઈન્ટરસ્ટેટ બસ અને ૧,૩૦૬ વાહન સહિત ઍપ આધારિત કૅબ અને ટેક્સી માટે ડેડીકેટેડ જગ્યા હશે. અહી રીટેલ અને રીક્રીએશન સ્પેસ હશે. બેન્ક્વેટ હોલની સાતે જ ૧૬ માળની હોટલ હશે. ઈન્ટરસિટી એ ઈન્ટરસ્ટેટ બસને મુંબઈમાં પ્રવેશ અહીં જ વર્જિત કરી નાખવામાં આવશે અને ત્યાંથી મુંબઈમાં પ્રવેશ કરવા માગતા લોકો માટે આ હબમાં  બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસ અને મેટ્રો નેટવર્ક ઉપલબ્ધ હશે.