સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી આદેશ જારી; રિન્યુએબલ એનર્જી, એગ્રીસ્ટેક અને ન્યાયિક ક્ષેત્રે પણ મોટા નિર્ણયો
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની પ્રધાનમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. પ્રધાનમંડળની બેઠક પહેલા મુંબઈ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં દહીહાંડીના બદલે રક્ષાબંધનની સ્થાનિક રજા જાહેર કરવામાં આવી.
રક્ષાબંધન અંગેના આ નિર્ણય માટે સામાન્ય વહીવટ વિભાગે સરકારી આદેશ જારી કર્યો છે. અગાઉ જાહેર કરાયેલી ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ની દહીહાંડીની રજા બદલવામાં આવી છે. આ આદેશ મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરની રાજ્ય સરકારી તથા અર્ધ-સરકારી કચેરીઓને લાગુ પડશે.
આ ઉપરાંત, સરકારે સંપાદિત કરેલી જમીનનું વળતર આપવામાં જો મોડું થાય, તો જમીનમાલિકને આપવામાં આવતા વ્યાજના દરમાં ફેરફાર/સુધારો કરવામાં આવશે જેથી તેમને યોગ્ય વળતર મળે. પવન કે સૌર ઊર્જા જેવા પ્રોજેક્ટ બનાવતી કંપનીઓ જ્યારે અંદરોઅંદર જમીનની લે-વેચ કે ટ્રાન્સફર કરશે, ત્યારે તેમની પાસેથી 'સ્ટેમ્પ ડ્યુટી' લેવામાં આવશે નહીં.
રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે ખરીદેલી જમીનના હસ્તાંતરણ ચાર્જમાં ૨૫ ટકાની છૂટ આપવા જેવા નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યા. આ સિવાય કૃષિ વિભાગ અંતર્ગત એગ્રીસ્ટેક અને ટેકનોલોજીના કામ માટે કૃષિ નિયામક અને સહ-નિયામક સહિત ૪ નવા ઉચ્ચ પદો મંજૂર કરાયા.
લાતુરના નીલકંઠેશ્વર સહકારી સાકર કારખાનાને રૂ. ૧૮.૦૯ કરોડની લોન લેવાની મંજૂરી અપાઈ, ખાનગી કૌશલ્ય યુનિવર્સિટી સ્થાપવાના નિયમોમાં સુધારો કરવાને મંજૂરી આપવામાં આવી, કોલેજોમાં 'સોશિયલ વર્ક' નો નવો સ્વતંત્ર વિભાગ અને નવા કોર્સ શરૂ કરવાની છૂટ મળી, નાંદેડના હદગાંવ ખાતે નવી જિલ્લા અને સત્ર અદાલત તથા જરૂરી ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફની જગ્યાઓ તેમજ આ હેતુ માટે ખર્ચની જોગવાઈને મંજૂરી આપવામાં આવી.