મુંબઈ: ડબ્બાવાળા મુંબઈની આગવી ઓળખ છે. સાઇકલના પૈડા અને ઘડિયાળના કાંટે દોડતા મુંબઈના ડબ્બાવાળા છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈવાસીઓને ઘરનું ભોજન પહોંચાડી તેમની ભૂખ સંતોષી રહ્યા છે. તેમણે પોતાની શિસ્ત, ચોકસાઈ અને અવિરત મહેનતના બળ પર વિશ્વભરમાં નામના મેળવી છે. હવે આ ડબ્બાવાળાઓ માટે એક સારા સમાચાર છે. મહાનગરપાલિકા ડબ્બાવાળાઓને એક ખાસ 'ભેટ' આપવાની તૈયારી કરી રહી છે અને મેયર રીતુ તાવડેએ આ સંદર્ભમાં એક મોટી જાહેરાત કરી છે.
બાંદ્રામાં મુંબઈ ડબ્બાવાળા ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત દરમિયાન, તેમણે કહ્યું કે ડબ્બાવાલાને 105 ઇ-બાઇક આપવામાં આવશે. હાલમાં, ઘણા ડબ્બાવાળાને સાઇકલ પર અથવા પગપાળા લાબું અંતર કાપવું પડે છે. ઈ-બાઈક તેમનો સમય બચાવશે અને ડિલિવરી ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવશે. વધતા ટ્રાફિકનો સામનો કરવા માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી થશે.
આ મુલાકાત દરમિયાન, મેયરે ડબ્બાવાળાઓના કામકાજની વિગતવાર માહિતી લીધી. તેમણે 'સોર્ટિંગ' (બોક્સનું વર્ગીકરણ), 'કોડિંગ' (ખાસ ચિહ્નો દ્વારા ઓળખ) અને સચોટ વિતરણની પ્રક્રિયા વિશે જાણ્યું. તેમણે ખૂબ ઓછા સંસાધનો અને ટેકનોલોજીના મર્યાદિત ઉપયોગ સાથે પણ આવી સચોટ સેવા પૂરી પાડતા ડબ્બાવાળાઓના કાર્યની પ્રશંસા કરી.
મુંબઈના ચાર પ્રવેશદ્વારોને ભવ્ય બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આમાંથી એક પ્રવેશદ્વાર ડબ્બાવાળા પર આધારિત હશે. આ દ્વારા ડબ્બાવાળાઓના કાર્યને સન્માનિત કરવાનો અને તેમની સેવાને શહેરની પ્રતીકાત્મક ડિઝાઇનમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઈ-બાઈક જેવી આધુનિક સુવિધાઓ અને ડબ્બાવાળા થીમ આધારિત પ્રવેશદ્વારો જેવી પહેલો સાથે, આ પરંપરાને નવી ઓળખ મળવાની અપેક્ષા છે. લાખો મુંબઈવાસીઓના રોજિંદા જીવન સાથે જોડાયેલી આ સેવાની સફર હવે આધુનિકતા તરફ વળતી જોવા મળી રહી છે.