Sat Sep 05 2026

Logo

સાયબર ફ્રોડ કરનારાઓને સિમ કાર્ડ પૂરાં પાડનારા છ એજન્ટ વિરુદ્ધ ગુના

2026-03-20 17:25:00
Author: Yogesh C. Patel
સાયબર ફ્રોડ કરનારાઓને સિમ કાર્ડ પૂરાં પાડનારા છ એજન્ટ વિરુદ્ધ ગુના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સાયબર ફ્રોડમાં વપરાયેલાં સિમ કાર્ડ્સની માહિતી પ્રાપ્ત કરી સાયબર પોલીસે આવા ફ્રોડમાં સામેલ ગુનેગારોને સિમ કાર્ડ પૂરાં પાડનારા છ એજન્ટ વિરુદ્ધ ગુના નોંધ્યા હતા. વિવિધ પ્રકારના સાયબર ફ્રોડના માધ્યમથી લોકોને છેતરીને નાણાં પડાવવામાં આવતાં હોવાની ફરિયાદ લગભગ રોજ નોંધાય છે.

સાયબર ફ્રોડ કરનારાઓ આ માટે સિમ કાર્ડ વેચનારા એજન્ટો પાસેથી ગેરકાયદે સિમ મેળવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પરિણામે આવા મિસ કાર્ડ વિક્રેતાઓની માહિતી મેળવી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસના પાંચેય રિજન મધ્ય, સાઉથ, વેસ્ટ, નૉર્થ અને ઈસ્ટમાં આવા એજન્ટો વિરુદ્ધ પાંચ ગુના નોંધવામાં આવ્યા હતા. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ નાગપાડાના મોહમ્મદ, સુલતાન મોહમ્મદ હનિફ અન્સારી, ઝિશાન કામલે, કોલાબાના દયાશંકર ભગવાન શુક્લા, અંધેરીની સૃષ્ટિ પ્રદીપકુમાર બરનવાલ, દહિસરના નીરજ શિવરામ પટવા અને ટ્રોમ્બેના ગૌસ મોહીઉદ્દીન મોહમ્મદ દસ્તગીર વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ સિમ કાર્ડ ખરીદનારી વ્યક્તિના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને તેમના નામે બનાવટી અથવા ખોટા સરનામાની નોંધ કરીને સિમ કાર્ડ પ્રાપ્ત કરતા હતા. સિમ કાર્ડ ખરીદનારી વ્યક્તિની જાણબહાર તેના નામે આરોપી એકથી વધુ સિમ કાર્ડનાં ફૉર્મ ભરતાં હતાં.

પછી એ વ્યક્તિને એક સિમ કાર્ડ આપી બાકીનાં પોતાની પાસે રાખી લેતા હતા. પછી કમિશન મેળવીને આવાં સિમ કાર્ડ સાયબર ફ્રોડમાં કરનારાઓને આપતા હોવાનું તપાસમાં જણાયું હતું. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.