Mon Sep 07 2026

Logo

ઝારખંડના યુવકે બનાવેલી 91 એપીકે ફાઇલથી સાયબર ઠગોએ આચરી 63.69 કરોડની ઠગાઇ

2026-07-29 21:34:12
Author: Yogesh D. Patel
ઝારખંડના યુવકે બનાવેલી 91 એપીકે ફાઇલથી સાયબર ઠગોએ આચરી 63.69 કરોડની ઠગાઇ

આરોપી પાસેથી 37,200 લોકોની બૅંકિંગની ગુપ્ત માહિતી મળી આવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં 70,500 રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીના કેસમાં ડી. બી. માર્ગ પોલીસ અને તેમની સાયબર ટીમે ઝારખંડના 26 વર્ષના યુવકની પશ્ર્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી, જેણે બનાવેલી 91 એપીકે ફાઇલથી સાયબર ગુનેગારોએ દેશભરમાં 2,993 નાગરિકો સાથે 63.69 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી હતી. યુવક પાસેથી પોલીસને 976 એપીકે ફાઇલ સહિત 37,200 લોકોની બૅંકિંગની ગુપ્ત માહિતી પણ મળી આવી હતી.

ડી.બી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા યુવકની ઓળખ એસ.કે. મોંડલ તરીકે થઇ હતી. પોલીસે તેની પાસેથી 10 મોબાઇલ, એક લેપટોપ, સાત સિમકાર્ડ અને ચાર ડેબિટ-ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યાં હતાં. 
આરોપી મોંડલ એપીકે ફાઇલ બનાવતો હતો અને તેને અન્ય આરોપીઓને વેચતો હતો. તેને એક એપીકે ફાઇલ પાછળ પંદરથી 20 હજાર રૂપિયા મળતા હતા. આરોપી મોંડલ છેલ્લા છ મહિનાથી એપીકે ફાઇલ બનાવીને વેચતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં 3 જુલાઇએ છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો હતો, જેમાં ફરિયાદીને મહાનગર ગેસ લિમિટેડના નામે મેસેજ મોકલવામાં આવ્યો હતો અને બાદમાં એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરવાનું કહીંને તેના બૅંક ખાતામાંથી 70,500 રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. 

ગુનામાં સંડોવાયેલા આરોપીની શોધ માટે પોલીસ ટીમને પશ્ચિમ બંગાળ અને ઝારખંડ મોકલવામાં આવી હતી અને પોલીસે ગયા અઠવાડિયે આરોપી મોંડલને પશ્ર્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આરોપીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે 91 એપીકે ફાઇલ બનાવી હતી અને તેને અન્ય આરોપીઓને વેચી દીધી હતી. આરોપીઓએ 91 એપીકે ફાઇલથી દેશભરમાં 2,993 લોકો સાથે 63.69 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. છેતરાયેલા લોકોમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના 512 લોકોનો સમાવેશ છે.