મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) કાંદિવલી વિસ્તારમાં ડ્રગ્સ વેચવા માટે આવેલા 49 વર્ષના શખસને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 2.53 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
એએનસીના બાંદ્રા યુનિટે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ચંદ્રમણિ શિવશંકર પાંડે તરીકે થઇ હોઇ તેણે ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે કાંદિવલીમાં આવ્યો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે.
એએનસીના બાંદ્રા યુનિટના અધિકારીને માહિતી મળી હતી કે કાંદિવલી પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગાયત્રીનગર ખાતે બસસ્ટોપ નજીક એક વ્યક્તિ મંગળવારે ડ્રગ્સ વેચવા માટે આવવાની છે. આથી અધિકારીઓએ ત્યાં છટકું ગોઠવ્યું હતું અને બસસ્ટોપ પર આવીને ઊભેલા શખસને શંકાને આધારે તાબામાં લીધો હતો. તેની તલાશી લેવામાં આવતાં 1015 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.