Tue Oct 06 2026

Logo

કોસ્ટલ રોડ પર કાર રેસિંગ: પોલીસે કાર્યવાહી શરૂ કરી

2026-09-07 20:08:00
Author: Yogesh C. Patel
કોસ્ટલ રોડ પર કાર રેસિંગ: પોલીસે કાર્યવાહી શરૂ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે કોસ્ટલ રોડ પર રાતના સમયે કાર રેસિંગની ઘટના સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

સાઉથ ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર મનીષ કાલવાનિયાએ જણાવ્યું હતું કે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે છથી સાત કારને ઓળખી કાઢવામાં આવી છે. આ મામલે મરીન ડ્રાઈવ પોલીસે ગુનો નોંધી આરોપીઓને તાબામાં લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર ઘટના ગુરુવારની રાતે 11.15 વાગ્યે બની હતી. કોસ્ટલ રોડના સાઉથ બૉન્ડ પરથી લાલ, પીળી અને અન્ય રંગની છથી સાત કાર પુરઝડપે પસાર થઈ હતી. પોતાના અને અન્યોના જીવ જોખમમાં મૂકીને ડ્રાઈવરો બેફામ કાર હંકારી રહ્યા હતા.

આ અંગે માહિતી મળતાં કોન્સ્ટેબલ સતીશ સાંગળેએ બીજે દિવસે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરી કારને ઓળખી કાઢી હતી. બેદરકારીથી કાર ચલાવનારા ડ્રાઈવરોને તાબામાં લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોઈ સોમવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી.