Sat Jun 27 2026

Logo

મોર્નિંગ વૉક માટે નીકળેલા યુવાન પર ચાકુથી હુમલો

2026-06-27 17:00:51
Author: Yogesh C Patel
Article Image

પત્નીએ કરેલી વિનયભંગની ફરિયાદ પાછી ખેંચવા અગાઉ ધમકી મળી હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મોર્નિંગ વૉક પર નીકળેલા યુવાન પર ચાકુથી હુમલો કરી શકમંદ બાઈક પર ફરાર થઈ ગયો હોવાની ઘટના ચેમ્બુરમાં બની હતી. પત્નીએ કરેલી વિનયભંગની ફરિયાદ પાછી ખેંચવાની ધમકી અને નાણાંની ઑફર નકારી કાઢ્યા પછી આ હુમલો કરાયો હોવાનું પોલીસનું કહેવું છે.આરસીએફ પોલીસના જણાવ્યા મુજબ ચેમ્બુરના વિષ્ણુનગર ખાતે પેપ્સી કંપની નજીક ગુરુવારની સવારે 8.25 વાગ્યાની આસપાસ ઘટના બની હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શહજાદ નૂરઅલી શાહ (20)ને સારવાર માટે ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર શહજાદની પત્નીએ ગયા મહિને શશી વાઘમારે નામના શખસ વિરુદ્ધ માનખુર્દ પોલીસ સ્ટેશનમાં વિનયભંગની ફરિયાદ નોંધાવી હતી. માનખુર્દ પોલીસે ઝીરો ફરિયાદ નોંધી કેસ આરસીએફ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો હતો.ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે વાઘમારે વિરુદ્ધની આ ફરિયાદ પાછી ખેંચવા માટે એ જ પરિસરમાં રહેતા હિરાપ્પા ખાજીરે સપ્તાહ પહેલાં શહજાદને ધમકી આપી હતી. ફરિયાદ પાછી ખેંચીને સેટલમેન્ટની વાત કરનારા ખાજીરે એક લાખ રૂપિયા આપવાની વાત કરી હતી.

જોકે આ અંગે શહજાદે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.ગુરુવારે શહજાદ મોર્નિંગ વૉક માટે નીકળ્યો ત્યારે બાઈક પર આવેલા ખાજીરે તેને રોક્યો હતો. શહજાદે ફરિયાદ પાછી ખેંચવાનો ઇનકાર કરતાં આરોપીએ ગાળાગાળી કરી તેની મારપીટ કરી હતી. પછી શહજાદની પીઠ પર ચાકુના બે ઘા ઝીંક્યા હતા. લોહીલુહાણ હાલતમાં શહજાદ જમીન પર ફસડાઈ પડ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ શુક્રવારે તેણે આપેલા નિવેદનને આધારે પોલીસે ખાજીર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.