Fri Sep 04 2026

Logo

નાયગાંવમાં મચ્છરના ઉત્પત્તિ સ્થળ શોધતા સમયે પાલિકા કર્મચારીનું મૃત્યુ

2026-08-08 20:24:21
Author: Sapna Desai
નાયગાંવમાં મચ્છરના ઉત્પત્તિ સ્થળ શોધતા સમયે પાલિકા કર્મચારીનું મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: નાયગાંવમાં  બીડીડી ચાલમાં પાણીની ટાંકીમાં મચ્છરના લાર્વા શોધવા માટે શનિવારે સવારના ગયેલા મુંબઈ મહાનગરાપાલિકાના પેસ્ટ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના કર્મચારીનું બેલેન્સ જતા પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી પેસ્ટ કંટ્રોલ વિભાગમાં ખળભળાટ મચી ગયો હોઈ મચ્છરના લાર્વાની ઉત્પત્તિ શોધીને તેનો નિકાલ કરનારા કર્મચારીઓની સુરક્ષાનો પ્રશ્ર્ન પર ચર્ચાએ આવ્યો છે. 

ચોમાસામાં મચ્છરોની વધતી સંખ્યાને પગલે મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવી બીમારીઓનું પ્રમાણ વધી જતું હોય છે. તેથી મચ્છરોની સંખ્યા રોકવા માટેે પાલિકાના પેસ્ટ કંટ્રોલ વિભાગ મારફત મચ્છરોના ઉત્પત્તિ સ્થળો શોધીને તેનો નાશ કરવામાં આવતો હોય છે. ચોમાસા પહેલા જ આ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે અને ચોમાસા પણ તેનું કામ ચાલુ જ હોય છે. 

આ ઝુંબેશના ભાગરૂપે પાલિકાના એફ-દક્ષિણ વોર્ડમાં આવતા નાયગાવ પોલીસ કૅમ્પમાં બિલ્િંડગમાં રહેલી પાણીની ટાંકીની તપાસ કરવા માટે પેસ્ટ કંટ્રોલ વિભાગના ૪૭ વર્ષના કર્મચારી પાંડુરંગ તોડકર શનિવારે સવારના ગયો હતો. લોખંડના સ્ટેન્ડ પર રહેલી ટાંકીની તપાસ માટે તે ઉપર ગયો હતો ત્યારે તેનું બેલેન્સ ગુમાવતા  તે નીચે પડયો હતો અને ગંભીર રીતે જખમી થયો હતો. તેને તાત્કાલિક કે.ઈ.એમ. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો પણ સારવાર  દરમ્યાન મૃત્યુ થયું હતું.

પાણીની ટાંકીની આસપાસ પડેલા લોખંડના સળિયાને કારણે તે ગંભીર જખમી થયો હતો. આ દુર્ઘટનાને કારણે પાણીની ટાંકીની આજુબાજુ રહેલા સામાનને કારણે કોઈ પણ દુર્ઘટના થવાની શકયતાને પગલે પેસ્ટ કંટ્રોલ વિભાગના કર્મચારીએ નારાજગી વ્યક્ત કરી હતી.