Sat Sep 12 2026

Logo

પાલિકાનો અજબ કારભાર: ભર ઉનાળામાં પરીક્ષા સમયે પાલિકાની સ્કૂલના વિદ્યાર્થીઓની પિકનિક

2026-03-13 10:44:00
Author: Sapna Desai
પાલિકાનો અજબ કારભાર: ભર ઉનાળામાં પરીક્ષા સમયે પાલિકાની સ્કૂલના વિદ્યાર્થીઓની પિકનિક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શૈક્ષણિક વર્ષ પૂરું થયું ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓની પિકનિકની યાદ આવી છે. પિકનિક માટે કરેલી આર્થિક જોગવાઈ વેડફાઈ જાય નહીં તે માટે શિક્ષણ વિભાગે ઉતાવળે પ્રસ્તાવ તૈયાર કરીને સ્થાયી સમિતિને મંજૂરી માટે મોકલ્યો છે. આર્થિક વર્ષ પૂરું થવાનું છે ત્યારે હવે ચોથા અને સાતમા ધોરણના વિદ્યાથીઓને નવથી ૨૭ માર્ચના સમયગાળામાં પિકનિક માટે મોકલવાની શિક્ષણ વિભાગને ઉતાવળ થઈ ગઈ છે. એક તરફ પરીક્ષાનો સમય નજીક અને બીજી તરફ ભર ઉનાળા વચ્ચે વિદ્યાર્થીઓને પિકનિક માટે મોકલવા માટે શિક્ષણ વિભાગ ચાર કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરવાની છે.

સામાન્ય રીતે  દરેક સ્કૂલમાં ડિસેમ્બરથી જાન્યુઆરી વચ્ચે પિકનિકનું આયોજન કરવામાં આવતું હોય છે. મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગને જોકે હવે પરીક્ષા સમયે તે પણ આકરો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે પિકનિકનું આયોજન કરવાનું યાદ આવ્યું છે. આ વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પાલિકાની ચૂંટણીને લગતા કામને કારણે પિકનિક કરવાનું રહી ગયું હતું, તેથી શિક્ષણ વિભાગે ઉતાવળે પિકનિકનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રાખ્યો હતો પણ તેના પર કોઈ નિર્ણય નહીં લઈને પ્રસ્તાવને આગામી બેઠક માટે રાખી મુકવામાં આવ્યો હતો.

 મુંબઈ  મહાનગરપાલિકાની સ્કૂલમાં ચોથા ધોરણના ૩૬,૭૨૦ વિદ્યાર્થી અને સાતમાના ૨૯,૦૬૪ વિદ્યાર્થી માટે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું છે. ચોથા ધોરણના વિદ્યાર્થીઓને ભાયખલાના જિજામાતા ઉદ્યાન તો સાતમા ધોરણના વિદ્યાર્થીઓને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં લઈ જવામાં આવવાના છે. ચોથાના પ્રતિ વિદ્યાર્થી પાછળ ૬૩૦ રૂપિયા તો સાતમાના પ્રતિ વિદ્યાર્થી પાછળ ૭૦૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પિકનિક માટે શિક્ષણ વિભાગને ચાર કરોડ ૩૪ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

આ પ્રસ્તાવ પર જોકે સ્થાયી સમિતિના સભ્યો ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ભર ઉનાળામાં ગરમી અને ઉકળાટની વચ્ચે તેમાં પણ પરીક્ષાનો સમયગાળો છે ત્યારે વિદ્યાર્થીઓ માટે પિકનિકના આયોજન સામે નગરસેવકોએ પ્રશાસનને બાનમાં લીધી હતી. આ પિકનિક વિદ્યાર્થીઓ માટે છે કે પછી કૉન્ટ્રેક્ટરના હિત માટે છે એવો સવાલ શિક્ષણ સમિતિના અધ્યક્ષે પ્રશાસનને કર્યો હતો.