Wed Aug 19 2026

Logo

મુંબઈમાં નવી ઈમારતોની લિફ્ટ સ્ટ્રેચર સાઈઝની બનાવવી ફરજિયાત બનશે

2026-08-03 08:58:00
Author: Sapna Desai
Article Image

ડીસી રૂલ્સમાં ફેરફાર કરવાની નગરસેવિકાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈમરજન્સી મેડિકલ સેવાઓને વધુ અસરકારક બનાવવા અને દર્દીઓના જીવ બચાવવા બિલ્િંડગની લિફ્ટમાં સરળતાથી સ્ટ્રેચર આવી શકે એ માપની બનાવવાની માગણી ભાજપ દ્વારા કરવામાં આવી છે.  મુંબઈમાં તમામ નવી ઈમારતોમાં ઓછામાં ઓછી પાંચ ફૂટ બાય દસ ફૂટની સ્ટ્રેચર-સક્ષમ લિફ્ટ ફરજિયાત બનાવવાની માગણી સામે જોકે મુંબઈ મહાનગરપાલિકાને તેના ડેવલપમેન્ટ કંટ્રોલ (ડીસી) રૂલ્સમાં સુધારા કરવા પડશે, તેમાં જોકે લાંબો સમય જઈ શકે છે.

ભાજપના નગરસેવિકા ડૉ. શિલ્પા સંગોરે ઠરાવની નોટિસ દ્વારા આ માગણી કરીને ડેવલપમેન્ટ કંટ્રોલ-૩૪માં નિયમો તેમજ સંબંધિત બાંધકામ નિયમોમાં જરૂરી સુધારા કરવા મહાનગરપાલિકાને સૂચન કર્યું છે. નગરસેવિકાના કહેવા મુજબ  ઘણી ઇમારતોમાં લિફ્ટના નાના અને અપૂરતા કદને લીધે સ્ટ્રેચર, વ્હિલચેર અથવા અન્ય તબીબી સાધનો સાથે દર્દીઓને લિફ્ટમાંથી સુરક્ષિત રીતે ખસેડવાનું મુશ્કેલ હોય છે. પરિણામે દર્દીઓને સીડીઓથી નીચે લાવવા પડે છે.

આ કારણે સારવાર માટે હૉસ્પિટલ પહોંચવામાં વિલંબ થવાથી દર્દીઓના જીવ પર ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. તેમજ ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી સિસ્ટમની બચાવ કામગીરીમાં પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે જ સમયે કોમામાં રહેલા દર્દીઓને સુરક્ષિત અને સરળતાથી ખસેડવા માટે તેમજ કમનસીબ મૃત્યુના કિસ્સામાં મૃતકના શરીરને સન્માન સાથે ઘરેથી નીચે લાવવા માટે સ્ટ્રેચર લિફ્ટ ખૂબ જ ઉપયોગી થશે.

નગરસેવિકાએ કહ્યું હતું કે મુંબઈમાં હાઈરાઈઝ બિલ્િંડગની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનેક ઇમારતોમાં દર્દીઓ, સિનિયર સિટિઝન, દિવ્યાંગોને તેમજ અકસ્માતનો ભોગ બનેલા લોકોને કટોકટીમાં નીચે લાવવા માટે જરૂરી સુવિધાઓ નથી. તેમજ કેટલીકવાર દર્દીઓને લેવા લોકો હાજર હોતા નથી. તેથી મુંબઈની તમામ નવી ઈમારતો માટે તે સમયે અથવા બિલ્ડિંગની પરવાનગી આપતાં પહેલાં લઘુતમ કદની પાંચ  ફૂટ બાય દસ ફૂટની સ્ટ્રેચર-સક્ષમ લિફ્ટ્સનું ઇન્સ્ટોલેશન ફરજિયાત બનાવવું જોઈએ. 

નગરસેવિકાના કહેવા મુજબ બિલ્િંડગમાં તે મુજબની લિફ્ટ બેસાડવા માટે જોકે પાલિકાના ડેવલપમેન્ટ કંટ્રોલ-૩૪ના નિયમો તેમજ સંબંધિત બાંધકામ નિયમોમાં જરૂર મુજબ સુધારો કરવા પડશે. જોકે તેનાથી કટોકટીના સમયમાં તબીબી સેવાઓ વધુ અસરકારક બનશે જે દર્દીઓના જીવન બચાવવામાં મદદરૂપ થઈ રહેશે.