(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હવેથી નવા જન્મ, મૃત્યુ તથા લગ્નના સર્ટિફિકેટ બાદ માત્ર ત્રણ વર્કિંગ ડેની અંદર ઉપલબ્ધ થવાના છે. મુંબઈ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં રહેલા નાગરી સુવિધા કેન્દ્ર દ્વારા રજિસ્ટ્રેશન ઓફ બર્થ ઍન્ડ ડેથ (આરબીડી) પોર્ટલનો ઉપયોગ કરીને જન્મ/મૃત્યુની નોંધણી અને ફેરફાર કરવાની અરજી પણ સ્વીકારવામાં આવશે. આ નવી સુવિધા અનુસાર મુંબઈગરા માત્ર ત્રણ દિવસમાં સર્ટિફિકેટ ઉપલબ્ધ થશે. એ સાથે જ બર્થ સર્ટિફિકેટમાં બાળકનું નામ સમાવવાની સુવિધા(જન્મના ૧૫ વર્ષ સુધી) પણ માત્ર ત્રણ વર્કિંગ ડેમાં શકય બનશે. તો મેરેજ સર્ટિફિકેટમાં પણ સુધારો માત્ર ત્રણ દિવસમાં કરી શકાશે. તો બર્થ અને ડેથ સર્ટિફિકેટમાં સુધારો પચીસ વર્કિંગ ડેમાં કરવામાં આવશે.
બર્થ સર્ટિફિકેટમાં બાળકના નામનો સમાવેશ કરવો, બાળકના બર્થ સર્ટિફિકેટમાં માતા-પિતાના નામમાં સુધારો, મૂળ તથા તાત્પૂરતા એડ્રેસમાં સુધારો, તારીખમાં ભૂલ થઈ હોય અથવા બાળકના જેન્ડરમાં સુધારો કરવું શકય બનશે. ડેથ સર્ટિફિકેટમાં સુધારો, ક્યૂઆર કોડયુક્ત સર્ટિફિકેટમાં રૂપાંતર વગેરેની અરજી પણ સ્વીકારવામાં આવશે.
પાલિકાના જણાવ્યા મુજબ નાગરિકોના જન્મ અને મૃત્યુના સર્ટિફિકેટમાં સુધારાના અનુસંધાનમાં પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.