Tue Oct 06 2026

Logo

મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ એમ્બ્યુલન્સ અચાનક દેવદૂત બનીને આવ્યો બાઈકર અને... વાઈરલ વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઊભા થઈ જશે...

2026-05-26 17:47:41
Author: Darshana Visaria
મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ એમ્બ્યુલન્સ અચાનક દેવદૂત બનીને આવ્યો બાઈકર અને... વાઈરલ વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઊભા થઈ જશે...

મુંબઈ જેવા સતત દોડતાં અને ટ્રાફિકજામમાં અટવાયેલા રહેતાં મેટ્રો સિટીમાં કટોકટીની પળોમાં હજી પણ 'માણસાઈ' જીવતી છે એ દર્શાવતો એક એકદમ હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. મયુર બાગુલ નામના એક યુવાને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો એક વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે અને લાખો લોકોના દિલ જીતી રહ્યો છે. ચાલો તમને જણાવીએ આ આખો કિસ્સો...

આ વીડિયોમાં મયુર નામના એક યુવકે અજાણ્યા બાઈક સવાર યુવાનનો દિલથી આભાર માન્યો છે, જેણે ભારે ટ્રાફિક વચ્ચે ફસાયેલી એમ્બ્યુલન્સને રસ્તો કરાવી આપી તેની બીમાર દર્દીનો જીવ બચાવવા માટે દેવદૂત બનીને મદદ કરી હતી. 

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે એક એમ્બ્યુલન્સ મુંબઈના ટ્રાફિકમાં અટવાઈ જાય છે ત્યારે અચાનક જ એક બાઈકસવાર દેવદૂત બનીને મદદ આવે છે અને ટ્રાફિકમાં ફસાયેલી સેંકડો ગાડીઓ વચ્ચે ક્યારેય હાથના ઈશારા કરીને તો ક્યારેક બૂમો પાડીને તો ક્યારેક પોતાનો જીવ જોખમમાં મૂકીને આસપાસના વાહનોને સાઈડ આપવા રિક્વેસ્ટ કરી રહ્યો છે. 

ઓફિસ અવર્સ હોવા છતાં પોતાનું કામ છોડીને તે કેટલાય મિનિટો સુધી લેન બાય લેન રસ્તો સાફ કરતો રહ્યો. મયુરે આ બાઈકસવારને 'વન-મેન ટ્રાફિક પોલીસ ટીમ' તરીકે ઓળખાવ્યો હતો. તેની આ હિંમત જોઈને અન્ય વાહનચાલકોએ પણ હોંશે-હોંશે એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો અને દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી ગયો હતો. 

મયુરે આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના એકાઉન્ટ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે કદાચ એ પોતે ક્યારેક આવી પરિસ્થિતિમાંથી પસાર થયો હશે, એટલે જ તેણે ઓફિસના સમયે પોતાનો કિંમતી સમય બગાડીને અમારી આટલી મોટી મદદ કરી હતી. 

આ વિડીયો વાઈરલ થતાં જ કમેન્ટ સેક્શનમાં લોકોએ આ બાઈકસવારને શુભેચ્છા અને તેમણે કરેલાં આ કામ માટે તેની પેટ ભરીને પ્રશંસા કરી રહ્યા છે. આજના સ્વાર્થી અને ભાગદોડવાળી લાઈફસ્ટાઈલ વચ્ચે મુંબઈમાં હજી પણ માણસાઈ જીવતી છે એ આ વાઈરલ વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...