Sun Sep 13 2026

Logo

ઓફિસ મીટિંગની ઉતાવળમાં રૂ. 156ના બદલે મોકલ્યા રૂ. 15,682, રિક્ષા ડ્રાઈવરે જે કર્યું એ જોઈને....

2026-06-06 14:42:22
Author: Mumbai Samachar Team
ઓફિસ મીટિંગની ઉતાવળમાં રૂ. 156ના બદલે મોકલ્યા રૂ. 15,682, રિક્ષા ડ્રાઈવરે જે કર્યું એ જોઈને....

મુંબઈ:  મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના બની હતી જેની ચર્ચા સોશિયલ મીડિયા પર હાલમાં થઈ રહી છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિએ ભૂલમાં ઓટો ડ્રાઈવરને 156 રૂપિયાની જગ્યાએ યીપીઆઈ દ્વારા 15,000 રૂપિયા ચૂકવી દીધા હતા જોકે, બાદમાં રિક્ષા ડ્રાઈવરે જે કર્યું એ કામ સોશિયલ મીડિયા પર નેટિઝન્સનું દિલ જીતી રહ્યું છે. ચાલો મને જણાવીએ શું છે આખી ઘટના વિસ્તારથી... 

હાલમાં મુંબઈમાં રહેતાં એક નાગરિક સાથે એક ચોંકાવનારી ઘટના બની હતી. આ વ્યક્તિએ એક ઓટો રિક્ષા ડ્રાઈવરને 156 રૂપિયાની જગ્યાએ 15,682 રૂપિયા જેટલી મોટી રકમ યુપીઆઈ પેમેન્ટ દ્વારા ચૂકવવામાં આવી હતી. આ વ્યક્તિનું નામ શુભમ ગુને છે અને તેમણે પોતાનો આ અનુભવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. 

પોતાની પોસ્ટમાં શુભમે જણાવ્યું હતું કે ભૂલમાં મેં એક ઓટો ડ્રાઈવરને 15,682 રૂપિયા આપી દીધા હતા કારણ કે તેણે આ પેમેન્ટ કોઈ ક્લાઈન્ટને મળવા માટે સ્ક્રીનમાં જોયા વગર ઉતાવળમાં કર્યું હતું અને તેને આ વાતનો ખ્યાલ પણ નહોતો. પરંતુ બાદમાં જે કંઈ થયું એ જોઈને શુભમ ચોંકી ઉઠ્યો હતો.

શુભમે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે મારી મિટિંગ બિલકુલ સારી ગઈ નહોતી. હું આ વિચારોમાં જ નીચે ઉતરી રહ્યો હતો અને રસ્તા પર આવ્યો તો જોયું તો હું જે ઓટોમાં આવ્યો હતો એ ઓટો ત્યાં જ ઊભી હતી અને ડ્રાઈવર મારી રાહ જોઈ રહ્યો હતો. આ ડ્રાઈવરે મારા માટે બીજા ભાડા પણ છોડી દીધા હતા. ઓટો ડ્રાઈવરે આખી વાત મને જણાવી અને મારી બાકીના પૈસા મને પાછા આપ્યા. 

ત્યાર બાદ શુભમે આ ડ્રાઈવરને ભાડાના 156 રૂપિયા રાખવા માટે વિનંતી કરી છતાં ડ્રાઈવરે આ રૂપિયા લીધા નહોતા. આખરે શુભમે આ ઓટો ડ્રાઈવરને બાદમાં 500 રૂપિયા બક્ષીસ રૂપે આપ્યા હતા. સોશિયલ મીડિયા પર શુભમની આ પોસ્ટ વાઈરલ થઈ રહી છે અને લોકો રિક્ષાચાલકની દરિયાદિલી અને ઈમાનદારીને સલામ કરી રહ્યા છે. 

મુંબઈમાં બનેલી આ ઘટના વિશે વાંચ્યા બાદ એક વાત તો ચોક્કસ છે કે મુંબઈ ભલે સતત દોડતું શહેર હોય, લોકોને પોતાની આજુબાજુમાં શું ચાલી રહ્યું એ જોવાનો સમય ના હોય પણ મુંબઈમાં માણસાઈ હજી જીવંત છે એ વાત તો નક્કી...