મુંબઈ: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર વસઈ-વિરાર વિસ્તારમાં બાંધકામનો કચરો અને સિમેન્ટનો ડેબ્રિસ ગેરકાયદે રીતે ઠાલવવાના મામલે નાયગાંવ પોલીસે છ લોકો સામે કેસ નોંધ્યો છે. પૂર્વ નાયગાંવ વિસ્તારમાં હાઈવેની બાજુમાં કચરો ઠાલવવાથી ટ્રાફિકને અડચણ ઊભી થવાની સાથે સ્થાનિક કુદરતી જળસ્રોતો પ્રદૂષિત થયાની ચોંકાવનારી માહિતી સામે આવ્યા બાદ હવે પોલીસે કાર્યવાહી કરી છે.
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ઝડપથી ચાલી રહેલા રિડેવલપમેન્ટ અને બાંધકામના કામોને કારણે દરરોજ મોટી માત્રામાં બાંધકામનો કચરો અને ખોદકામમાંથી નીકળતો ડેબ્રિસ નિર્માણ થઈ રહ્યો છે. આ કચરાનો નિયત સ્થળે નિકાલ કરવાને બદલે કેટલાક વાહનો દ્વારા તેને ગુપ્ત રીતે વસઈ-વિરાર મહાનગરપાલિકા વિસ્તારના હાઈવેના વિવિધ ભાગોમાં ઠાલવવામાં આવતો હોવાનો આરોપ છે.
હાઈવે પર વર્સોવા બ્રિજ, સાસુનવઘર, માલજીપાડા, ચિંચોટી, નાયગાંવ, પેલ્હાર અને વિરાર સહિતના અનેક વિસ્તારોમાં ડેબ્રિસ ડમ્પિંગની સમસ્યા જોવા મળી હોવાની માહિતી મળી હતી. 19 સપ્ટેમ્બરના રોજ પણ વસમનાયા રેલવે બ્રિજ નજીક હાઈવેની બાજુમાં એક તોડી પાડવામાં આવેલી ઈમારતનો બાંધકામ કચરો ઠાલવવામાં આવ્યો હતો. તેના કારણે હાઈવે પર ટ્રાફિકને ભારે અડચણ ઊભી થઈ હતી.અને ટ્રાફિક જામ સર્જાયો હતો.
ખુલ્લામાં ઠાલવવામાં આવેલા બાંધકામના કચરા અને તેમાં રહેલા હાનિકારક તત્ત્વો આસપાસના કુદરતી જળસ્રોતોમાં ભળવાથી બાપાણે ગામના સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું હોવાનો આરોપ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને નાયગાંવ પોલીસે સીધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને ડેબ્રિસ ઠાલવવાના મામલે છ લોકો સામે ગુનો નોંધ્યો છે.
પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 125, 285, 279, 326(સી) અને 315 ઉપરાંત મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઑફ ડિફેસમેન્ટ ઑફ પ્રોપર્ટી એક્ટ, 1995ની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી છે. હાઈવેની આસપાસ ગેરકાયદે રીતે કચરો ઠાલવનારાઓ વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.