મુંબઈઃ મુંબઈના રેલવે ઇતિહાસનો મહત્વનો અને જૂનો સાક્ષી પ્રભાદેવી સ્ટેશન નજીકનો 113 વર્ષ જૂનો એલ્ફિન્સ્ટન બ્રિજ આખરે કાયમ માટે ઇતિહાસ બની ગયો છે. 4 એપ્રિલની મધ્યરાત્રિએ મધ્ય રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ મેગા બ્લોક દરમિયાન આ બ્રિજના ભારે લોખંડના ગર્ડર્સ દૂર કરવામાં આવ્યા હતા. જોકે કાર્ય ટેકનિકલી સફળ રહ્યું હતું, પરંતુ મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે શનિવાર રાત અને રવિવારે સવારે મુસાફરી કરવામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એલ્ફિન્સ્ટન બ્રિજ તોડી પાડવાને કારણે ટ્રેનસેવા પર ગંભીર અસર થવાથી મોડી રાતના મોટા ભાગના પ્રવાસીઓ ઓલા-ઉબરથી પોતાના ઘરે પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય રેલવેએ શનિવારે રાત્રે 10.30 વાગ્યાથી દાદર અને સીએસએમટી વચ્ચે ખાસ ટ્રાફિક અને પાવર બ્લોક જાહેર કર્યો હતો. આ મુશ્કેલ કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ થતાં જ હાજર રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી.
રેલવેએ કામ સમયસર પૂર્ણ થયું હોવાનો દાવો કર્યો હોવા છતાં, વાસ્તવમાં મુસાફરોને વિલંબનો સામનો કરવો પડ્યો. પુલ દૂર કર્યા પછી, ઓવરહેડ વાયર (OHE) ફરીથી કનેક્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો. આ કારણે, સવારે 6 વાગ્યા પછી પણ ટ્રેન સેવા સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ શકી નહીં. આ કારણે દાદર સ્ટેશન પર ટ્રેનોનો ધસારો થયો હતો.
મધ્ય રેલવેની સેવાઓ ફક્ત દાદર સુધી મર્યાદિત કરવામાં આવી હતી, આના કારણે સીએસએમટી જતા મુસાફરોને દાદરમાં ઉતરીને વૈકલ્પિક વ્યવસ્થા શોધવી પડી હતી. દાદર સ્ટેશન પર હજારો મુસાફરોની ભીડ જોવા મળી હતી. જોકે, રેલવેએ આ સંદર્ભમાં સતત સૂચનાઓ આપી રહ્યું હતું. જોકે, ઘણા મુસાફરો હજુ પણ મૂંઝવણમાં છે. લોકલની સાથે મેગા બ્લોકને કારણે એક્સપ્રેસ ટ્રેનોને પણ ભારે અસર પડી છે. મુંબઈ આવતી ઘણી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને ભાયખલા અને દાદર સ્ટેશનો પર રોકવામાં આવી હતી. કેટલીક ટ્રેનો ધીમી ગતિએ ચલાવવામાં આવી હતી, જેના કારણે ઘણા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં વિલંબ થયો હતો.
1913માં બનેલો આ પુલ મુંબઈના પશ્ચિમ અને મધ્ય રેલવેને જોડતો એક મહત્વપૂર્ણ કડી હતો. જોકે, સમય જતાં આ પુલ નબળો પડી ગયો હતો. 2017ની ભયાનક નાસભાગની ઘટના પછી આ વિસ્તારમાં પુલોની સલામતીનો પ્રશ્ન ઉભો થયો હતો. હવે, આ જૂના પુલને સંપૂર્ણપણે દૂર કરવાથી તેની જગ્યાએ વધુ ક્ષમતા અને પહોળાઈવાળા નવા પુલના નિર્માણનો માર્ગ મોકળો થયો છે.