Mon Sep 07 2026

Logo

આઇપીએલનો આ નવો મૅચ-વિનર કહે છે, `પ્રૅક્ટિસમાં મને રોજની 100થી 150 સિક્સર ફટકારવાની આદત છે'

2026-04-10 17:02:28
Author: Ajay Motiwala
આઇપીએલનો આ નવો મૅચ-વિનર કહે છે, `પ્રૅક્ટિસમાં મને રોજની 100થી 150 સિક્સર ફટકારવાની આદત છે'

PTI


કોલકાતાઃ આઇપીએલ-2026માં ગુરુવારે લખનઊને કોલકાતા સામે ધમાકેદાર બૅટિંગથી છેલ્લા બૉલમાં વિજય અપાવનાર બાવીસ વર્ષના મુકુલ ચૌધરીએ ક્રિકેટર બનાવાનું સદ્ગત પિતાનું અધૂરું સપનું તો પૂરું કર્યું જ છે, તે આઇપીએલમાં ગુરુવારની સાત સિક્સરવાળી અણનમ ઇનિંગ્સ બદલ છવાઈ ગયો છે અને તેણે પોતાની પ્રૅક્ટિસને લગતી અમુક રસપ્રદ વાતોથી પણ ચાહકોને વાકેફ કર્યા છે. `હું નેટ પ્રૅક્ટિસમાં દરરોજ 100થી 150 સિક્સર ફટકારતો હોઉં છું' એ તેનો વિસ્ફોટક બૅટિંગનો મૂળ મંત્ર છે.

ગુરુવારે કોલકાતા (Kolkata) સામે લખનઊના આયુષ બદોનીએ 34 બૉલમાં બે સિક્સર તથા સાત ફોરની મદદથી 54 રન કર્યા હતા જેની તુલનામાં મુકુલ ચૌધરી (Mukul Chaudhary)એ ફક્ત 27 બૉલમાં સાત સિક્સર તથા બે ફોરની મદદથી અણનમ 54 રન કર્યા હતા અને લખનઊને 7/182ના કુલ સ્કોર સાથે જિતાડીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો.

મુકુલ દલિપ ચૌધરી 21 વર્ષનો છે. તે મૂળ રાજસ્થાનનો છે. તેણે એક મુલાકાતમાં સિક્સર ફટકારવાની પોતાની તાકાત વિશે કહ્યું છે, `મારું શરીર શક્તિશાળી છે અને આ તાકાત મને કુદરતે જ મળી છે. હું દરરોજ પ્રૅક્ટિસમાં 100થી 150 છગ્ગા ફટકારતો હોઉં છું એટલે રોજની આ આદતને કારણે બૅટથી ફટકો મારવાની મારી ઝડપ અકબંધ રહેવાની સાથે સતત સુધરતી પણ રહે છે. મારા મોટા ભાગના શૉટ પાવરફુલ હોય છે. છેલ્લા પાંચ-છ મહિનાથી આ પ્રૅક્ટિસ નિયમિત કરું છું અને એટલે જ મૅચમાં એની અસર જોવા મળે છે.'

ખરેખર તો મુકુલ ચૌધરી તેના હીરો મહેન્દ્રસિંહ ધોનીની મૅચો જોઈને મોટો થયો છે. ધોનીએ મૅચ ફિનિશ કરી હોય એવી એક પણ મૅચ તેના ધ્યાન બહાર નથી. મુકુલે ગુરુવારે ઈડન ગાર્ડન્સમાં 17મી ઓવરમાં કોલકાતાના પેસ બોલર વૈભવ અરોરાના એક બૉલમાં ધોની જેવો હેલિકૉપ્ટર શૉટ માર્યો હતો. મુકુલ કહે છે, `ધોની જેવા હેલિકૉપ્ટર શૉટની પ્રૅક્ટિસ તો હું નાનપણથી કરતો હતો. મને એ શૉટ ખૂબ પ્રિય છે. ધોની છેલ્લો બૉલ યૉર્કર હોવા છતાં એમાં મૅચ ફિનિશ કરતો હતો. બૅટ્સમૅન જો એવા બૉલમાં છગ્ગો ફટકારે તો બોલર બીજા પ્રકારનો બૉલ ફેંકવા મજબૂર થઈ જાય છે.'

લખનઊના હેડ-કોચ જસ્ટિન લૅન્ગરના મતે હરીફ બોલર્સમાં મુકુલ ચૌધરીની ગણના ભારતના સૌથી ખતરારૂપ મિડલ-ઑર્ડર બૅટ્સમેનોમાં થઈ શકે એવો તે ખેલાડી છે.