Wed Sep 23 2026

Logo

એમપીએસસી મુદ્દે ફડણવીસનો સ્પષ્ટ સંદેશ: ‘વિદ્યાર્થીઓની દરેક ન્યાયી માગણી પૂરી કરીશું’

2026-09-22 19:52:01
Author: Mumbai Samachar Team
એમપીએસસી મુદ્દે ફડણવીસનો સ્પષ્ટ સંદેશ: ‘વિદ્યાર્થીઓની દરેક ન્યાયી માગણી પૂરી કરીશું’

મુંબઈ : મહારાષ્ટ્ર લોકસેવા આયોગ (એમપીએસસી) ની પરીક્ષાઓ અને કથિત પેપરલીકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે  કે સરકારને રાજકીય માંગણીઓમાં રસ નથી, પરંતુ વિદ્યાર્થીઓની દરેક ન્યાયી માગણી પૂરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “વિદ્યાર્થીઓની માગણીઓમાં અમને રસ છે અને તેમની દરેક ન્યાયી માગણી રાજ્ય સરકાર પૂર્ણ કરશે.”

એમપીએસસીની ઔષધ નિરીક્ષક પરીક્ષાના કથિત પેપરલીકને લઈને આયોગના અધ્યક્ષ વિવેક ભીમનવારના રાજીનામાની વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ મામલે ધારાસભ્ય રોહિત પવારે પણ રાજીનામાની માંગ ઉઠાવી છે. પોલીસે એમપીએસસીના અધિકારીઓ સહિત છ લોકોની ધરપકડ કરી છે, જ્યારે આ ભરતી પ્રક્રિયા રદ કરીને નવી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે.

ફડણવીસે જણાવ્યું હતું કે જે પરીક્ષાને લઈને એમપીએસસી અધ્યક્ષના રાજીનામાની માંગ થઈ રહી છે, તેમાં થયેલો કથિત ગેરરીતિનો બનાવ તેમના પદભાર સંભાળતી પહેલાંનો છે. તેથી કોઈ તપાસ કે પુરાવા વિના માત્ર રાજકીય માંગના આધારે રાજીનામું માંગવું યોગ્ય નથી, તેમ તેમણે જણાવ્યું.

દરમિયાન એમપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની માંગ પર પણ સરકાર વિચાર કરી રહી છે. વધારાના મુખ્ય સચિવ વી. રાધાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિ વિવિધ વર્ગો સાથે ચર્ચા કરી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં મોટી સંખ્યામાં બહુવિકલ્પીય પ્રશ્નપદ્ધતિ ફરી લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિની ભલામણ સકારાત્મક રહેશે તો સરકાર પણ તેના પર સકારાત્મક વિચાર કરશે, તેમ પણ  ફડણવીસે જણાવ્યું હતું.

એમપીએસસી મારફતે ભરાતી જગ્યાઓની સંખ્યા ઓછી હોવાની ફરિયાદો અંગે પણ સરકારે દખલ લીધી છે. ફડણવીસે જણાવ્યું હતું કે પ્રધાન મંડળની બેઠકોમાં ઉપલબ્ધ અને ખાલી જગ્યાઓની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. આગામી પરીક્ષામાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટે એટલી મોટી સંખ્યામાં જગ્યાઓ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાની શક્યતા પર પણ વિચાર ચાલી રહ્યો છે. બીજી તરફ રોહિત પવારે એમપીએસસી પેપરલીકને લઈને આયોગના અધ્યક્ષના રાજીનામાની માંગ સાથે કથિત અનિયમિતતાઓ અંગે સવાલો ઉઠાવ્યા છે અને આ મુદ્દે આંદોલનની ભૂમિકા જાહેર કરી છે.

વધુ જુઓ...