મોરારિબાપુ
બે-ત્રણ દિવસથી ઘણા શ્રોતાઓનો એક જ પ્રકારનો પ્રશ્ન આવે છે કે બાપુ, કોશિશ કરવા છતાં ચિત્તશુદ્ધિ કેમ નથી થતી? આજે એક પ્રશ્ન છે, બધામાં હરિદર્શન કરવું, એ મને જાણ્યું, બુદ્ધિએ માન્યું પણ અને ચિત્તથી દૃઢતાથી કબૂલ પણ કરી લીધું. બધામાં પરમાત્માના દર્શન કરવા, એ એક જિજ્ઞાસુએ વાત પૂછી છે, એ માની લીધું, જાણી લીધું, દૃઢ પણ થઈ ગયું કે ઠીક છે. છતાં કદી કદી, ક્યાંક ક્યાંક દોષદર્શન થઈ જાય છે. કેમ?
આ કોઈ એક વ્યક્તિનો પ્રશ્ન નથી, બધાનો પ્રશ્ન છે. શ્રોતાઓમાં પણ દોષ દેખાય, એવું કેમ થાય છે? હવે હું કહીશ કે શ્રોતાઓનું પણ કર્તવ્ય છે કે બીજાની દૃષ્ટિમાંયે તમારા કારણે દોષ ન પેદા થાય એવી રીતે જીવો. તમારા કારણે બીજાની દૃષ્ટિમાં દોષ દર્શન કરવાનો અવસર ન આવે, એવી રીતે રહો. થોડું સહન કરો, થોડું અનુશાસન નિભાવો કે જેથી બીજાનાં મનમાં દોષદર્શન કરવાનો અવસર ન આવે અને એમને પોતાના ચિત્તની શુદ્ધિ અશુદ્ધ ન બને. તમે બધામાં હરિદર્શન કરવાનું કબૂલ કર્યું, છતાં દોષદર્શન થઈ જાય છે. આ એકનો નહિ બધાનો પ્રશ્ન છે. એક નાનીશી કહાની દ્વારા આ વાત સમજાવવાની ચેષ્ટા કરું છું.
એક દેહાતી, એક અભણ માણસ એક નગરમાં ગયો. હતો તો ગામઠી, દેહાતી, અભણ હતો. પણ એની પાસે કોઈ પાક સરસ ઊતર્યો હતો, તે વેચવાનો હતો. એણે મનમાં નક્કી કરેલું કે કંઈ પણ થાય, જાણકારી થાય કે ન થાય, સમજ પડે કે ન પડે, જીવનમાં એક વાર ફાઈવસ્ટાર હોટેલમાં રહેવું છે. પૈસા પૂરા પાકના કેમ ન આપવા પડે, પણ એક વાર તો રહેવું છે.
આ ખેડૂતે નક્કી કરેલું કે પંચતારક હોટેલમાં કેમે કરીને રહેવું છે, એણે તો પૈસા ભરી દીધા હતા, બુકિંગ કરાવી દીધેલું. રાતે ફાઈવસ્ટાર હોટેલના પલંગમાં સૂતો છે, એને સૂઈ જવું છે તો બત્તી બંધ કરવાની હતી. લાઈટને ફૂંક મારતો રહ્યો, પણ લાઈટ બુઝાતી નહોતી. એક વાર, બે વાર નહિ, એક કલાક, બે કલાક નહિ, આખી રાત ફૂંક મારતો રહ્યો, પણ બત્તી બૂઝાઈ નહિ. બિચારો સૂઈ ન શક્યો.
સવારના ઊઠતાં એણે હોટેલના મેનેજરને ફરિયાદ કરી કે આ કયા પ્રકારની હોટેલ છે? મેં આખા મોસમના પાકની કમાઈ અહીં રહેવા માટે આપી દીધી અને અહીં બત્તી બંધ નથી થતી? કેટલી ફૂંકો મારી. કહે, ભાઈસાબ, ક્ષમા કરો, તમે અમારામાંથી કોઈને બોલાવી લેત તો પણ તમને બતાવી દેતે. આ બત્તી ફૂંકથી નહિ બુઝાય, એને બુઝાવવા કોઈ સ્વિચ બંધ કરે ત્યારે બુઝાશે.
બાપ ! ચિત્તમાં વિકાર પેદા થતા રહે છે, તમારી, આપણી ફૂંકથી નહિ બુઝાય, કોઈ સદ્દ્ગુરુ સ્વિચ બંધ કરી દે તો બંધ થશે. કારણ કે કામ, ક્રોધ, લોભ એ વિદ્યુતપ્રવાહ છે. તમારી ફૂંકથી એ નહિ બુઝાય-એ મીણબત્તી નથી. હા, હોઈ શકે કે એ દીવાની આડમાં તમે કંઈક રાખો, બલ્બની આડે કંઈક રાખો, તો થોડી રાહત થઈ શકે, પણ બૂઝાવી નહિ શકો.
બુઝાવવાની સમજ તમારામાં છે. પણ લગભગ આપણે અભણ છીએ, થોડા પૈસા મળી ગયા, ને સીધા ફાઈવસ્ટારમાં ચાલી ગયા. ન વિવેક છે, ન સમજ છે. ન મહાસંગતિ છે. થોડી સમજ હો તો તમે આ ઉજાલાની તીવ્રતાને થોડી રોકી શકો. એ ઓરડામાંથી જ કંઈ લઈને આડમાં રાખી દો, પણ બત્તી બુઝાશે નહિ. બત્તી બુઝાશે ત્યારે, જ્યારે સ્વિચ બંધ કરો.
એ ચિત્તના જે દોષ છે, મેરે ભાઈ-બહેન તમારી ફૂંકથી નહિ બુઝાશે. હા, તમારી થોડી ચેષ્ટા હશે, તમે કંઈક આડાશમાં રાખી દો. વ્યક્તિને જોવાને બદલે રામાયણ જોવા માંડો, આડ થઈ ગઈ. આંખો બંધ કરી દો, થોડી આડ થઈ ગઈ. વિચારો નથી રોકાતા, છતાં થોડી આડ થઈ ગઈ. કંપન બંધ થયા. પણ સમાપ્ત તો ત્યારે થશે, જ્યારે કોઈ પ્રાજ્ઞ ગુરુ પોતાની ચેતનાથી તમારા અચેતન મનને સમાપ્ત કરી દે.
यह गुन साधन ते नहीं होई| तुम्हारी कृपाँ पाव कोई कोई॥
કૃપા સ્વિચ બંધ કરી શકે છે, પણ એના પહેલાં જ્યાં સુધી થઈ શકે, તમે ને હું પુરુષાર્થ કરીએ. ચોવીસ કલાક કંઈ તમે તમારા બાળકને સ્કૂલમાં નહિ રાખી શકો, ચાર-પાંચ, છ, આઠ કલાક રાખી શકો, પછી બાળક તમારી પાસે જ રહે છે. તમે ત્યારે એને વિવેકથી સમજાવો, રોકો. કથાના નવ દિવસ મળે, રોજના ત્રણ-ચાર કલાક મળે, ચાર દિન, પાંચ દિન તમને કથા સાંભળવા મળે. બાકીના સમયમાં થોડો પ્રયાસ કરો.
કોઈ મા એવી નહિ હોય કે પોતાના બાળકને એ ચાલવાનું ન શીખે એવો વિચાર કરે. બાળક ચાલે, એથી મા રાજી થઈ જાય. મા તો ઊંચકી શકે છે, ગોદમાં, ખભા પર, પીઠ પર, કમર પર, માનું સામર્થ્ય છે, છતાંયે મા વિચારશે કે આવું કરતી રહીશ, તો એ બિલકુલ ચાલશે જ નહિ. એથી મા ચાહે છે કે બાળક થોડું ચાલે. સદ્દ્ગુરુ ચાહે છે કે બાળક થોડું ચાલે, પછી સદ્દ્ગુરુ ઉઠાવી લેશે. નહિતર સાધક વિકલાંગ રહેશે. એટલું તો આપણે કરીને દેખાડવું જોઈએ, દુનિયાને નહિ, હરિને બતાવો.
(સંકલન : જયદેવ માંકડ)