આપણે ત્યાં ચોમાસુ બેસે પછી અતિવૃષ્ટિથી પ્રજાની કથા અને વ્યથા વર્ષોથી એકની એક જ રહી છે. આવી કુદરતી આફ્ત ત્રાટકે ત્યારે પ્રજાને ઉગારવા માટે આપણા કહેવાતા ‘વિકાસશીલ’ શાસકો પાસે કોઈ નક્કર યોજના નથી.
આવી તાકીદ વખતે અમલમાં મૂકી શકાય એવા ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ના નામે આપણે શૂન્ય છીએ અને નીંભર નેતાઓ પાસે બહાનાબાજીનો ખજાનો છે એમાં પ્રજાની હાલાકી દર વર્ષે દોહરાતી જ રહે છે...
- વિજય વ્યાસ
ભારતમાં હમણાં ચોમાસું બરાબરનું જામ્યું છે વરસાદ જબરી રમઝટ બોલાવી રહ્યો છે. ગુજરાતમાં વરસાદે પહેલા રાઉન્ડમાં ધબધબાટી બોલાવીને દક્ષિણ ગુજરાત અને અમદાવાદને પાણી પાણી કરી નાખ્યું હતું. વલસાડ નજીકના ગામમાં તો 45 ઈંચ વરસાદ પડતાં દિવસો લગી આખો વિસ્તાર જ ડૂબી ગયો. સુરતમાં પણ મોટા ભાગના વિસ્તારો ડૂબી ગયા અને લોકો ત્રાહિમામ પોકારી ગયા. અમદાવાદમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ભાગ્યે જ સર્જાય પણ આ વખતે અમદાવાદના ઘણા વિસ્તારોએ પણ પૂરનો અનુભવ કરી લીધો.
હવે બીજા રાઉન્ડમાં પણ વરસાદે સુરતને ધમરોળી નાખ્યું છે. એકલા સુરતમાં જ 24 ઈંચ વરસાદ ખાબકી જતાં આખું શહેર ફરી એક વાર પાણીમાં ‘ડૂબી’ ગયું એમ કહી શકાય. મધ્ય ગુજરાતમાં પણ વડોદરામાં ભારે વરસાદ પડ્યો છે. ઘણા વિસ્તારોમાં તો એક જ દિવસમાં 20 ઈંચથી વધારે વરસાદ પડી જતાં આખેઆખા વિસ્તારો સંપર્કવિહોણા થઈ ગયા છે. ગુજરાતમાં તો હજુ 4 ઓગસ્ટ લગી ભારે વરસાદની આગાહી છે એ જોતાં લોકોની તકલીફો-હાલાકી વધશે.
દેશનાં બીજાં રાજ્યોમાં તો ગુજરાતથી પણ બદતર હાલત છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદના કારણે પૂરનો ખતરો હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે રાજસ્થાન સહિત 18 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉત્તર-પૂર્વના આસામમાં તો સળંગ મહિના લગી એટલો વરસાદ પડ્યો કે, આખું રાજ્ય જળબંબાકાર થઈ ગયું. છેલ્લા છ દાયકામાં કદી ના જોયું હોય એવું વિનાશક અને ભયાનક પૂર આસામે જોઈ લીધું. છેલ્લા એક મહિનામાં વરસાદના કારણે 68 લોકોનાં મોત થયાં છે અને છ લાખથી વધુ લોકો બેઘર બન્યાં છે. હજારો લોકો રિલીફ કેમ્પમાં રહે છે કેમ કે ઘરે પાછા જઈ શકાય તેમ જ નથી. વરસાદનાં પાણી ઓસર્યાં નથી તેથી અડધું આસામ હજુય પાણીમાં ડૂબેલું છે.
કેરળ - ઓડિશામાં પણ ભારે વરસાદે જબરદસ્ત તબાહી વેરી છે. કેરળમાં તો ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભૂસ્ખલન થતાં ઘણાં લોકો મરી પણ ગયાં છે. ઓડિશામાં ભારે વરસાદના કારણે લાખો લોકો બેઘર બન્યાં છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ આ જ સ્થિતિ છે. ઉત્તર પ્રદેશ જેવા અપવાદરૂપ રાજ્યોને બાદ કરતાં ઉત્તર ભારતનાં તમામ રાજ્યોમાં વરસાદે કાળો કેર વર્તાવીને તબાહી વેરી છે.
ચોમાસું હજુ અધવચાળે છે ને આખો ઓગસ્ટ તથા સપ્ટેમ્બર બાકી છે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં અત્યારે જ ભારે વરસાદની આગાહીના કારણે પૂરનો ખતરો છે તેથી હવે પછીના બે મહિનામાં લોકોની તકલીફો વધશે તેમાં શંકા નથી. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પણ લોકોની તકલીફો ઘટાડવા માટે આગોતરાં પગલાં લઈ શકશે કે નહીં એ પણ જોવાનું છે કેમ કે અત્યાર સુધીનો આપણો અનુભવ એવો છે કે, આપણી સરકારો વરસાદી પાણી સામે લડવામાં સાવ પાણી વિનાની સાબિત થાય છે. આ વાત આજની નથી કે હાલની સરકારોની નથી પણ દાયકાઓથી આ જ હાલત છે.
ગુજરાત સહિતનાં રાજ્યોમાં વરસાદ આવે ત્યારે દિવસો લગી પાણી ભરાઈ જાય, લોકોએ ઘરોમાં ભરાઈ રહેવું પડે, રસ્તા પણ પાણી પાણી હોય તેથી કિલોમીટરો લગી વાહનોની લાઈનો લાગી હોય એ સહિતનાં ભયાનક દૃશ્યો સામાન્ય થઈ ગયાં છે. તેનું કારણ એ કે, આપણા શાસકોમાં કોઈ વિઝન નથી તેથી વરસાદી પાણીના નિકાલ માટેની અસરકારક વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. આપણે વિકાસના દાવા કરીએ છીએ પણ આ વિકાસ બુદ્ધિહીનતાના પ્રદર્શન જેવો છે.
ભારતમાં વિકાસના નામે મૂળ ભૂગોળને બદલી નાખવામાં આવી છે અને શહેરોમાં તો સમસ્યા અતિ ગંભીર છે. વિશ્વમાં બધે જ નગર આયોજનમાં એક સનાતન નિયમનું પાલન થાય છે. ઊંચા ટેકરાવાળા વિસ્તારોમાં મહત્તમ બાંધકામો કરાય ને નીચેની તરફ આવતા જાઓ એટલે બાંધકામ ઓછાં થતાં જાય. આ વિસ્તારોમાં જળાશયો, બગીચા, ખેતરો મનોરંજનનાં સ્થળો વગેરે હોય. મોટા પ્રમાણમાં ખાલી જગા હોય કે જેથી રહેણાંક વિસ્તારોનું વરસાદી પાણી નીચેની તરફ આવે તો ભરાય અને લોકોને તકલીફ ના પડે.
આમ આ નગર આયોજનની બહુ સરળ પદ્ધતિ છે પણ ભારતમાં સત્તામાં બેઠેલા લોકો એ હદે ભ્રષ્ટ છે કે, તેમણે શહેરોને સપાટ ને કોન્ક્રી ટનાં જંગલ બનાવી દીધાં. ખેતરો તોડીને જ્યાં જગા મળી ત્યાં બાંધકામોને મંજૂરી આપીને ક્ધસ્ટ્રક્શન કરાવી દીધાં. શહેરોની મૂળ ભૌગોલિક સ્થિતિ બદલી નાખી તેથી વરસાદી પાણીના નિકાલ માટે જગા જ ના રહી. આપણા બુદ્ધિ વિનાના શાસકોએ પોતાના સ્વાર્થ ખાતર શહેરોની ભૂગોળ કેવી રીતે બદલી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ વડોદરા અને અમદાવાદ છે.
વડોદરામાં પહેલાં શહેરની વચ્ચે કોતરો હતી તેથી વરસાદી પાણી તેમાં ભરાઈ જતાં ને પછી સૂકાઈ જતાં. આ કોતરો પૂરીને બાંધકામ કરી દીધાં તેથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન રહી એટલે સામાન્ય વરસાદ પડે તો પણ પૂર આવી જાય છે. અમદાવાદમાં પહેલાં દરેક વિસ્તારમાં મોટાં તળાવ હતાં. અમદાવાદ શહેરનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર આસપાસનાં ગામોને ભેળવીને બનાવાયો છે. આ દરેક ગામ પાસે પોતાનાં મોટાં તળાવ હતાં. સત્તાધીશોએ આ તળાવો બિલ્ડરોને આપી દીધાં. બિલ્ડરોએ તળાવો પૂરીને ઈમારતો ઊભી કરી પછી પાણી જાય ક્યાં ?
અમદાવાદમાં ચારેતરફ 40-50 કિલોમીટર લગી ખેતરો જ નથી અને ઊંચી ઈમારતો જ નજરે ચઢે કરે છે. તેથી 5 ઇંચ વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે. અમદાવાદમાં જ શહેરની વચ્ચે મોટા રિચાર્જ વેલ બનાવડાવીને તાત્કાલિક પાણીનો નિકાલ કરવા સહિતનાં સૂચનો નિષ્ણાતોએ કર્યાં છે પણ પછી તૂટેલા રસ્તા રિપેર કરવાના બહાને થતો ભ્રષ્ટાચાર ના કરી શકાય તેથી એવાં સૂચનોનો અમલ થતો નથી. વાત અમદાવાદની નથી પણ આખા દેશમાં આ સ્થિતિ છે.
દુનિયાના ઘણા દેશોમાં વિસ્તાર નાનો હોય તેથી ઊંચી ઈમારતો ફરજિયાત બાંધવી પડે. આ દેશો એવી ટેકનોલોજી વસાવે છે કે, જેથી વરસાદ પડવા માંડે કે તરત પાણીનો નિકાલ થવા માંડે. આપણી પાસે એવી ટેકનોલોજી નથી અને શાસકોમાં એ વસાવવાની સમજ નથી.
આપણે હજુય વરસાદી પાણીના નિકાલ માટે બાવા આદમના જમાનાના પંપ વાપરીએ છીએ કે જે એક ભરાયેલા પાણીને એક જગાએથી કાઢીને સો-બસો મીટર દૂરના કોઈ ખુલ્લા પ્લોટમાં કે બીજે ક્યાં ઠાલવી દે છે. આપણી પાસે કાયમી ઉકેલ નથી.
આપણા શાસકો ભારતને વિકસિત દેશ બનાવવાના ફાંકા મારે છે, ‘અમેરિકા અને ચીનને આપણે પછાડી દઈશું’ એવા ફડાકા મારે છે પણ બીજી વાત ના કરીએ ને ખાલી વરસાદી પાણીના સંગ્રહની જ વાત કરીશું તો સમજાશે કે, આપણે કેટલા પછાત છીએ. દુનિયાના મોટા ભાગના વિકસિત દેશો વરસાદના પાણીનો 250 ટકા સુધી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે.
અમેરિકા, જાપાન, બ્રિટન, જર્મની, ફ્રાન્સ સહિતના દેશોમાં પડતા વરસાદના એક-એક ટીપાંનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરાય છે. ભારતમાં આવી વ્યવસ્થા નથી ને આપણે આજેય વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે વરસો પહેલાં બંધાયેલા બંધો પર જ નિર્ભર છીએ.
ભારતમાં 5000 જેટલા મોટા અને મધ્યમ કક્ષાના બંધ છે. આ તમામ બંધમાં નદીઓનાં પાણી આવે છે. વરસાદ પડે ત્યારે સીધું પાણી પડે એ આવે છે ને ચોમાસામાં વધારે પાણી આવે ત્યારે પાણી દરિયામાં જવા દેવું પડે છે તેથી પાણી વેડફાઈ જાય છે.
ભારતની કમનસીબી એ છે કે, પ્રજા શિક્ષિત થઈ ગઈ છે ને શાસકો અબૂધ રહી ગયા છે. શાસકોમાં વોટર મેનેજમેન્ટની સૂઝ નથી, ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સમજ નથી ને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનું વિઝન નથી. આ કારણે ભારતની સ્થિતિ બદલાતી નથી ને શિક્ષિત શાસકો નહીં આવે ત્યાં લગી સ્થિતિ બદલાશે પણ નહીં.