Sun Aug 23 2026

Logo

મોંગોલિયાથી કચ્છ સુધી: સદીઓ જૂની ડાયનાસોરની રોમાંચક પ્રવાસગાથા

2026-08-11 10:17:00
Author: Mumbai Samachar Team
Article Image

Ai Image


ભુજ:  તાજેતરમાં મોંગોલિયાના મધ્ય ભાગમાં આવેલા શિનેખુડાગ ફોર્મેશન ખાતેથી વૈજ્ઞાનિકોને આશરે ૧૨૦ મિલિયન વર્ષ જૂના વિશાળકાય ડાયનાસોરના પગલાંના નિશાન મળી આવ્યા છે. આ મહત્વપૂર્ણ શોધ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં મધ્ય મોંગોલિયા ડાયનાસોરની અવરજવર માટેનું એક મુખ્ય 'ક્રોસરોડ'  હતું. સૌથી રસપ્રદ વાત એ છે કે, જે પ્રજાતિના ડાયનાસોરના અવશેષો મોંગોલિયાથી મળ્યા છે, તે જ પ્રજાતિના ડાયનાસોર તે સમયે ગુજરાતના કચ્છ વિસ્તારમાં પણ વસવાટ કરતા હતા. 

ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી આ શોધ મોંગોલિયા અને ભારત વચ્ચેના પ્રાચીન જૈવિક સંબંધો પર નવો પ્રકાશ પાડે છે.
મોંગોલિયાના સાઈજરાખ વિસ્તારમાંથી સંશોધકોને ડાયનાસોરના ૩૧ જેટલા વિશાળ પગલાં મળી આવ્યા છે. આ અંગેનો અભ્યાસ 'ઇક્નોસ' જર્નલમાં પ્રકાશિત થયો છે. 

ઉલ્લેખનીય છે કે, આ ક્ષેત્રની નોંધ સૌપ્રથમ વર્ષ ૧૯૫૦માં લેવાઈ હતી, પરંતુ છેલ્લા ૭૦ વર્ષથી તે વિસરાઈ ગયું હતું. નવા સંશોધન મુજબ અહીં બે મુખ્ય પ્રજાતિના પગલાં મળ્યા છે જેમાં  ૧૫ મીટરથી વધુ લંબાઈ ધરાવતા સોરોપોડ્સ નામના શાકાહારી ડાયનાસોરના પગલાં એકબીજાની પાછળ લાઇનબદ્ધ મળ્યા છે, જે વર્તમાન હાથીઓના ઝૂંડની ચાલવાની શૈલીને મળતા આવે છે. જયારે ૭.૪ થી ૮.૮  મીટર લાંબા થેરોપોડ્સ નામના હિંસક માંસાહારી ડાયનાસોર પૈકી સૌથી મોટું પગલું ૫૭ સેન્ટિમીટરનું નોંધાયું છે.

બહુવિધ પગલાં એક જ ચોક્કસ માર્ગ પરથી વારંવાર પસાર થયા હોવાના પુરાવા દર્શાવે છે કે આ ક્ષેત્રમાં પ્રાચીન સમયે એક મોટું તળાવ હોવું જોઈએ, જ્યાં આ પ્રાણીઓ પાણી પીવા માટે એકઠા થતા હતા.

વર્તમાન સમયમાં મોંગોલિયાથી રણપ્રદેશ કચ્છ વચ્ચેનું ભૌગોલિક અંતર આશરે ૩,૮૦૦ થી ૪,૦૦૦ કિલોમીટર જેટલું છે. જોકે, ૧૨૦ મિલિયન વર્ષ પહેલાં (અર્લી ક્રિટેશિયસ યુગમાં) પૃથ્વીના ખંડોની સ્થિતિ જુદી હતી અને 'પેન્જિયા' નામનો સુપરકોન્ટિનેન્ટ વિભાજિત થઈ રહ્યો હતો.

અંતરિયાળ જમીન માર્ગો જોડાયેલા હોવાને કારણે ડાયનાસોર મોંગોલિયાથી ચીન, મધ્ય એશિયા, ઈરાન અને પાકિસ્તાન થઈને ધીમે-ધીમે ભારતીય ઉપખંડ સુધી વિસ્તર્યા હતા. તે યુગમાં કચ્છનું ગરમ વાતાવરણ, સમૃદ્ધ નદીઓ અને તળાવો ડાયનાસોરના વસવાટ અને પ્રજનન માટે અત્યંત સાનુકૂળ હતા.

ગુજરાતનું કચ્છ ક્ષેત્ર ૧૦૦ થી ૧૨૦ મિલિયન વર્ષ જૂના પ્રાચીન અવશેષોનો અમૂલ્ય ખજાનો ધરાવે છે. કચ્છમાંથી ટાઇટેનોસોરસ અને જૈનોસોરસ જેવા  શાકાહારી સોરોપોડ્સ તેમજ રાજાસોરસ  જેવા ભયાનક થેરોપોડ્સના અવશેષો ખિરસારા, નેત્રા, લુડાઈ અને વકપાર જેવા વિસ્તારોમાંથી મળી આવ્યા છે. ખાસ કરીને નેત્રા ગામમાંથી ડાયનાસોરના ૨૦૦થી વધુ અશ્મિભૂત ઈંડા મળી આવ્યા છે, જ્યારે ખિરસારામાંથી ઈંડાના માળા અને હાડકાં એકસાથે મળી આવ્યા છે.

આ પ્રાચીન વિરાસતને નજીકથી જોવા અને સમજવા માટે ભુજ સ્થિત કચ્છ મ્યુઝિયમ અને ખિરસારા ડાયનાસોર પાર્ક મુખ્ય આકર્ષણના કેન્દ્રો બન્યા છે.

(ઉત્સવ વૈદ્ય)