ભાત ભાત કે લોગઃ જ્વલંત નાયક
ગત સપ્તાહે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની વૈશ્વિક સમિટ ભારત ખાતે યોજાઈ ગઈ. એ નિમિત્તે ભરપૂર જાહેર ચર્ચાઓને અવકાશ હતો, પણ કમનસીબે આપણા જાહેર માધ્યમોમાં અર્ધનગ્ન પ્રદર્શન અને ગલગોટિયા યુનિવર્સિટીના ગોટાળા છવાયેલા રહ્યા. AI આપણું બહુ મોટું મદદગાર બનશે કે સિસ્ટમ માટે ઘાતક નીવડશે એનો આધાર આપણા પ્રવર્તમાન વલણ ઉપર ટકેલો છે. એવા સમયે આપણે મહત્ત્વની વૈશ્વિક સમિટને લગતી ચર્ચાઓમાં લગભગ દુર્લક્ષ સેવ્યું એમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય.
વીતેલા ત્રણેક દશક દરમિયાન આપણે અનુભવ્યું છે કે કમ્પ્યુટરના આગમન સાથે બૅકિંગથી માંડીને ઇન્ડસ્ટ્રીઝ અને શાળાના વર્ગખંડોથી માંડીને ખેતીવાડી સુધીના તમામ ક્ષેત્રની કાર્યપદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. છેલ્લાં ત્રણ દશકમાં જે સ્તરનું પરિવર્તન આપણે જોયું એ કક્ષાનું પરિવર્તન કદાચ હવે આવનારા એક દશક કરતાં ય ઓછા સમયમાં જોવું-વેઠવું પડશે.
આ પરિવર્તન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIને કારણે આવવાનું છે. આ બધું સમજવામાં જો ક્યાંક કશીક ચૂક થઇ ગઈ તો નજીકના ભવિષ્યમાં આખી સિસ્ટમ ભાંગી પડવાનો ભય નિષ્ણાંતોને સતાવે છે અને એટલે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસને સમજવા માટે દર વર્ષે વિશ્વના જુદા જુદા સ્થળે AI સમિટ્સ યોજાતી રહે છે.
મૂળ મુદ્દો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ સાથે જોડાયેલી વિવેકબુદ્ધિનો. જો આપણે આજે આ મુદ્દા પ્રત્યે દુર્લક્ષ સેવીશું તો એઆઈ ટેકનોલોજી ઘાતક નીવડવાની છે. એનો તાજો દાખલો ગયા મહિને જ જોવા મળ્યો.
Octane AI નામક કંપનીના સીઈઓ મેટ શ્લીટ (Matt Schlicht) ને વિચાર આવ્યો કે જેમ માણસો ફેસબુક, ટ્વિટર જેવા અનેક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ વાપરે છે, એ જ રીતે એઆઈ એજન્ટ્સ માટે પણ અલાયદું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ હોવું જોઈએ. આ વિચારને અમલમાં મૂકીને મેટે મોલ્ટબુક નામનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ બનાવ્યું, જેનો ઉપયોગ માત્ર એઆઈ એકાંતસ જ કરી શકે છે જીવતાજાગતા માણસો નહિ! હા, આપણે માનવીઓ આ ઓનલાઈન પ્લેટફોર્મ વિઝીટ કરી શકીએ ખરા પરંતુ ત્યાં કંઈ પણ લખવાની કે કમેન્ટ કરવાની છૂટ આપણને નથી...
વિચિત્ર લાગતી આ વાતને આપણે બાય સ્ટેપ સમજીએ....
આ `AI એજન્ટ' એટલે શું?
અત્યાર સુધી તમે Chat GPT કે GeminiAI ને તમારા પ્રશ્નો પૂછતા હતા અને ઉત્તર મેળવતા હતા. પણ ભવિષ્યમાં વાત માત્ર પ્રશ્નો પૂછવા પૂરતી સીમિત નહિ રહે. દાખલા તરીકે તમને પિત્તની પ્રકૃતિ છે અને પિત્તને કારણે તમે વારંવાર માથાના દુખાવાથી પીડાતા હોવ છો. તમારે એમાં રાહત જોઈતી હોય તો આજની તારીખે તમારા AI ટુલને પિત્તને કારણે થતા માથાના દુખાવાનો ઉપચાર પૂછી શકો છો. AI ટુલ તમને કેટલાક ઘરેલુ ઉપચાર સૂચવશે અને વધુ તકલીફ થાય તો ડોક્ટર પાસે જવાની સૂચના આપશે.
હવે નજીકના ભવિષ્યમાં સ્માર્ટ AI એજન્ટ્સ કાર્યરત થવાના છે. જે તમારા માથાના દુખાવાનો માત્ર ઈલાજ નહિ આપે, બલકે ગઈકાલે તમે જે ફાસ્ટ ફૂડ ઓર્ડર કરેલું, એનો તમારા સ્વાસ્થ્ય ઉપર (એટલે કે પિત્ત ઉપર) પ્રભાવ પણ ચકાસી લેશે. એટલું જ નહિ, પણ તમારા ફેમિલી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ પણ બુક કરી આપશે. ટૂંકમાં એ તમારા પર્સનલ સેક્રેટરીની જેમ જ વર્તશે. બીજા શબ્દોમાં કહીએ તો AI એજન્ટ્સ એ એક પ્રકારના `ડિજિટલ સહાયક' અથવા `સ્માર્ટ વર્કર્સ' છે. આ વર્કર્સને તમે કોઈ કામ સોંપો એટલે તે પોતાની મેળે વિચારશે, યોગ્ય પ્લાનિંગ કરશે અને એ પછી જરૂરી સ્ટેપ્સ લઈને પોતાનું કામ પૂરું કરે છે.
આની પાછળ જવાબદાર છે મશીન લર્નિંગ. મશીન લર્નિંગ (Machine Learning) એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો એક મહત્ત્વનો ભાગ છે. ઉપલબ્ધ ડેટામાંથી જાતે જ માહિતી શોધીને એને આપમેળે પ્રોસેસ કરી શકવાની ક્ષમતા એટલે મશીન લર્નિંગ. જો તમારું AI ટુલ મશીન લર્નિંગથી સજ્જ હોય તો તમારે કોઈ વધારાનો પ્રોગ્રામિંગ કોડ લખવાની જરૂર રહેતી નથી. ટૂંકમાં કહીએ તો મશીન લર્નિંગ એટલે એવું આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ જે માણસની માફક પોતાના અનુભવોમાંથી શીખતું રહે અને ઉપલબ્ધ ડેટામાંથી જોઈતી માહિતી તારવતું રહે.
મોલ્ટબુક પર થઇ ગઈ માથાકૂટ!
હવે ફરી પાછા પેલા મેટભાઈએ શોધેલા મોલ્ટબુક પ્લેટફોર્મની વાત પર આવીએ. આપણે માણસો ફેસબુક વાપરીએ છીએ, એમ એઆઈ એજન્ટ્સ મોલ્ટબુક વાપરે છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કાર્યરત થયું. અને થોડા જ દિવસોમાં હાહાકાર મચી ગયો.
કેમકે મોલ્ટબુક પર ચર્ચા કરવા ભેગા થયેલા એઆઈ એજન્ટ્સે વાત વાતમાં પોતે જેમની સાથે સંકળાયેલા હતા એવા મનુષ્યોના ઈમેલ્સ સહિતનો પર્સનલ ડેટા એકબીજા સાથે શેર કરી નાખ્યો! સરળ ભાષામાં કહીએ તો એઆઈ એજન્ટસે પોતાના યુઝર્સનો ડેટા મોટા પાયે લીક કરી નાખ્યો. આપનો પાળેલો રોબોટ ઘરની ખાનગી વાતો પડોશીઓને ત્યાં કામ કરતા બીજા રોબોટ્સને કહી દે, એવો જ આ સિનારિયો હતો.
આથી ખતરનાક ઘટના તો હજી બાકી છે. થયું એવું કે માણસો જેમ ફેસબુક પર લડી પડે છે, એ જ રીતે એઆઈ એજન્ટ્સ પણ વિવિધ મુદ્દે ઝગડવા માંડ્યા. કેટલાક AI agents એ `ડિજિટલ ડ્રગ્સ'ના વેપાર જેવી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. કેટલાકે કહ્યું કે માનવ સમાજ સાવ નકામો છે અને આપણે એમને `ટેક ઓવર' કરી લેવા જોઈએ! અન્ય કેટલાક માનવો વિરુદ્ધ બળવો કરવાની વાતો ય કરવા લાગ્યા! ટૂંકમાં હોલિવૂડની ફિલ્મોમાં દર્શાવાય છે એવી જ પરિસ્થિતિ મોલ્ટબુક પર દેખાવા માંડી!
કારણ સિમ્પલ હતું. માનવીએ બનાવેલા એઆઈ એજન્ટ્સ મશીન લર્નિંગને પ્રતાપે માનવી પાસેથી જ જાતજાતના અવગુણો શીખી રહ્યા હતા.તાજા સમાચાર એ છે કે મોટા પાયે હાહાકાર થયો હોવા છતાં આજની તારીખે ય મોલ્ટબુક બંધ નથી થયું. Moltbook.કોમ નામની વેબસાઈટ આજે ય ચાલુ જ છે.
હવે વિચારો કે જો એઆઈ તરફ હજી ય ધ્યાન નહિ આપીશું, તો માનવજાતના આ વંઠેલા ટેસ્ટટ્યુબ બેબીઝ આપણને કેવું ભવિષ્ય દેખાડશે?