લિસ્બન (પોર્ટુગલ): ક્રિકેટરો પાસે હવે પોતાના દેશની નૅશનલ ટીમ વતી રમવા ઉપરાંત ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) સહિત અનેક દેશોની ટી-20 લીગ ટૂર્નામેન્ટમાં રમવાનો પણ વિકલ્પ છે એટલે તેમના માટે કમાણી કરવા વિશે કોઈ જ ચિંતા નથી, પરંતુ અમુક ખેલાડીઓ એવા પણ છે જેઓ તેમના દેશ વતી રમવાનો વધુ મોકો ન મળતાં અન્ય નાના દેશ વતી રમવાની તક ઝડપી લેતા હોય છે અને ઑસ્ટ્રેલિયાનો 39 વર્ષનો મોઇઝેઝ હેન્રિકેસ એમાંનો એક છે.
આ ઑલરાન્ડરે ગયા મહિને ઑસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને હવે તે યુરોપના દેશ પોર્ટુગલ (PORTUGAL) વતી રમશે. પોર્ટુગલ ખરેખર તો ફૂટબૉલની રમતને કારણે અને ખાસ કરીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને લીધે ખેલ જગતમાં પ્રખ્યાત છે, પણ હવે આ દેશ ક્રિકેટમાં પણ સક્રિય થયો છે અને મોઇઝેઝ હેન્રિકેસે પોર્ટુગલ વતી રમીને એને પહેલી વખત ટી-20 વર્લ્ડ કપમાં ક્વૉલિફાય કરાવવાનો પડકાર ઝીલ્યો છે.
Moises Henriques named the captain of Portuguese side!🇵🇹
— Criccodile (@criccodile) August 10, 2026
Former New Zealand batter Craig Cachopa to return donning the red and the South African Shekleton to make his debut for Portugal during the T20WC Europe Qualifier C
[📸: Portuguese Cricket Federation] pic.twitter.com/qljXGiDNNZ
રોનાલ્ડોની જ જન્મભૂમિમાં જનમ્યો હતો
હેન્રિકેસ (Henriques) માટે પોર્ટુગલ જન્મભૂમિ અને ઑસ્ટ્રેલિયા કર્મભૂમિ છે. હેન્રિકેસનો જન્મ 1987માં મોરોક્કોની પશ્ચિમે પોર્ટુગલના મડિરા નામના ટાપુમાં થયો હતો. 1985માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ એ જ ટાપુ પર જનમ્યો હતો.
હેન્રિકેસ નાનો હતો ત્યારે તેના મમ્મી-પપ્પા ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા અને હેન્રિકેસે ક્રિકેટમાં કરીઅર બનાવવાનું નાનપણથી જ સપનું જોયું હતું. તે ન્યૂ સાઉથ વેલ્સ તથા બિગ બૅશમાં સિડની સિક્સર્સ વતી રમ્યો હતો. આઈપીએમાં તે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, પંજાબ, બેંગ્લૂરુ અને કોલકાતા વતી રમ્યો છે.
રાઇટ-હૅન્ડ પેસ બોલર અને બૅટ્સમૅન હેન્રિકેસને ઑસ્ટ્રેલિયા વતી 2009થી 2021 દરમ્યાન માત્ર ચાર ટેસ્ટ, 16 વન-ડે અને 24 ટી-20 રમવા મળી હતી. આ મૅચોમાં તેણે કુલ 600-પ્લસ રન બનાવવા ઉપરાંત 17 વિકેટ લીધી હતી. પાંચ વર્ષથી તેને ઑસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન નહોતું મળ્યું જેને પગલે તે હવે ક્રિકેટમાં વિકાસ કરવામાં પોર્ટુગલને મદદરૂપ થવા માગે છે.
હેન્રિકેસે ઑસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ક્રિકેટમાં કુલ 6,830 રન બનાવવા ઉપરાંત 127 વિકેટ લીધી હતી. આઇસીસીના ટી-20 રૅન્કિંગમાં પોર્ટુગલ 37મા ક્રમે છે અને 2028ના ટી-20 વર્લ્ડ કપ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પોર્ટુગલની ટીમે ઇઝરાયલ, જર્મની, ગ્રીસ તથા ચેક રિપબ્લિક સામે રમવું પડશે.
Moises Henriques named the captain of Portuguese side!🇵🇹
— Criccodile (@criccodile) August 10, 2026
Former New Zealand batter Craig Cachopa to return donning the red and the South African Shekleton to make his debut for Portugal during the T20WC Europe Qualifier C
[📸: Portuguese Cricket Federation] pic.twitter.com/qljXGiDNNZ
પોર્ટુગલ પાસે ભારતીય મૂળના ખેલાડીઓ
મોઇઝેઝ હેન્રિકેસ પોર્ટુગલનો કૅપ્ટન છે અને તેની ટીમમાં ભારતીય મૂળના ખેલાડી ધવલકુમાર નરોત્તમ (વિકેટકીપર) તેમ જ હરદીપ ખુત્તન, ઉપેન શાંતુ અને રાહુલકુમાર હશુનો પણ સમાવેશ છે.