Sat Jun 20 2026

Logo

આન્દ્રે રસેલને ખેલાડીમાંથી કોચ બનાવી દીધો એ કેકેઆરની સૌથી મોટી ભૂલઃ મૌહમ્મદ કૈફ

2026-04-15 17:17:49
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ ત્રણ ટાઇટલ જીતનાર કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR)ની ટીમ આ વખતે ગંભીર કટોકટીમાં છે તથા ટીમ મૅનેજમેન્ટની પણ ખૂબ ટીકા થઈ રહી છે અને આન્દ્રે રસેલ આ સમસ્યાનું મૂળ કારણ છે એવું ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટ-વિશ્લેષક મોહમ્મદ કૈફનું માનવું છે.

ચારેય મૅચમાં પરાજિત, ટેબલમાં સાવ તળિયે

કેકેઆરની ટીમ આ વખતે સાવ તળિયે (10મા નંબરે) છે. અજિંક્ય રહાણેના સુકાનમાં આ ટીમ પાંચમાંથી ચાર મૅચ હારી ચૂકી છે અને એક મૅચ અનિર્ણીત રહેતાં ફક્ત એક પૉઇન્ટ કેકેઆર પાસે છે.

રસેલને ન જાળવ્યો અને પછી કોચ બનાવી દીધો

કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ ગયા વર્ષના અંતે 2026ની આઇપીએલ સીઝન માટે આન્દ્રે રસેલને સ્ક્વૉડમાં નહોતો જાળવ્યો અને તેણે થોડા જ દિવસમાં આઇપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. એક સમયના કેકેઆરના સૌથી શક્તિશાળી બૅટ્સમૅન રસેલને કેકેઆરે ખેલાડી તરીકે ન જાળવ્યો, પણ ટીમના `પાવર કોચ' તરીકે નીમીને સૌને ચોંકાવી દીધા હતા.

શ્રેયસ-રસેલને ગુડબાય, ગ્રીનને મળશે 25.20 કરોડ

છેલ્લે 2024માં શ્રેયસ ઐયરના સુકાનમાં ટ્રોફી જીતનાર કેકેઆરે એ ચૅમ્પિયન કૅપ્ટનને પણ રીટેન નહોતો કર્યો અને 2025માં આન્દ્ર રસેલ (RUSSELL)ને પણ જાકારો આપ્યો હતો. ઑસ્ટ્રેલિયાના કૅમેરન ગ્રીનને કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ 25.20 કરોડ રૂપિયામાં સાઇન કર્યો છે. ઑલરાઉન્ડર ગ્રીને આ વખતે શરૂઆતમાં બોલિંગ ન કરી અને બૅટિંગમાં પણ ફ્લૉપ જઈ રહ્યો છે. જોકે તે નિર્ધારિત તમામ મૅચો રમશે તો કેકેઆરે તેને 25.20 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

મોહમ્મદ કૈફ શું કહે છે?

ભૂતપૂર્વ બૅટ્સમૅન અને શાનદાર ફીલ્ડર મોહમ્મદ કૈફ કહે છે, `કેકેઆરે આન્દ્રે રસેલને ટીમના ખેલાડીમાંથી કોચ બનાવીને ભૂલ કરી. રસેલમાં હજી પણ ક્ષમતા છે. તેને મૅચ-વિનિંગ ઑલરાઉન્ડર તરીકે જાળવી રાખવો જોઈતો હતો. તેને કોચ બનાવીને કેકેઆરે તેને મેદાનથી દૂર રાખ્યો છે.

કેકેઆરે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં થઈ ગયેલા સૌથી ડૅન્જરસ મૅચ-વિનર્સમાંથી એક રસેલની કરીઅર `સાવ ખતમ' કરી નાખી. જે ખેલાડી બૅટથી તેમ જ બૉલથી બાજી ફેરવી શકવાની તાકાત ધરાવે છે તે હવે ડગઆઉટમાં પૉલો શર્ટ પહેરીને બેઠેલો જોવા મળી રહ્યો છે. કેકેઆરની આ સૌથી મોટી ભૂલ છે. રસેલ હજી પણ બીજા કેટલાક દેશોની ટી-20 લીગમાં રમે જ છે. તે 36 વર્ષનો થઈ ગયો હોવા છતાં હજીયે ડિમાન્ડમાં છે. અમુક લીગમાં હજી પણ ફ્રૅન્ચાઇઝીઓ તેને ખરીદવા હરીફાઈ કરતા હોય છે.'

રસેલ પાછો કેકેઆરમાં આવી શકે?

કેકેઆરના અસંખ્ય ચાહકો આન્દ્રે રસેલને ફરી ટીમમાં જોવા માગતા હશે, પરંતુ હકીકત એ છે કે જો કોઈ ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે સ્ક્વૉડમાં સમાવવો હોય તો એ માટે એ પ્લેયરનું નામ રજિસ્ટર્ડ અવેઇલેબલ પ્લેયર પૂલ (આરએપીપી)માં નોંધાયેલું હોવું જરૂરી છે.