Fri Jun 19 2026

Logo

પાકિસ્તાનના ક્રિકેટરને ભારતીય ટીમની ઇર્ષ્યા થઈ, સુપર-એઇટ વિશે કરી આ ભવિષ્યવાણી

Lahor   2026-02-20 16:20:00
Author: Ajay Motiwala
Article Image

લાહોરઃ ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા વર્તમાન ટૂર્નામેન્ટની ત્રણેય લીગ મૅચમાં શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો હોવાથી અને છેલ્લી આઠમાંથી પાંચ ઇનિંગ્સમાં તેના ઝીરો હોવાથી સમગ્ર ક્રિકેટજગતમાં ચર્ચાસ્પદ થઈ ગયો છે એટલે સ્વાભાવિક છે કે પાકિસ્તાનનો કોઈ ભૂતપૂર્વ પ્લેયર પણ ટીકા વરસાવવાનું બાકી કેવી રીતે ચૂકે અને એના અનુસંધાનમાં એક અહેવાલ મળ્યો છે જેમાં ભૂતપૂર્વ પાકિસ્તાની પેસ બોલર મોહમ્મદ આમિરે કહ્યું છે કે સુપર-એઇટ રાઉન્ડમાં હરીફ ટીમો ભારતીય ટીમની નબળાઈઓનો સારો ફાયદો ઉઠાવશે.

ભૂતકાળમાં ઇંગ્લૅન્ડમાં સ્પૉટ ફિક્સિંગને લીધે બદનામ થઈ ચૂકેલો મોહમ્મદ આમિર લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અભિષેકને સ્લૉગર તરીકે ઓળખાવ્યો છે. આમિર (Mohammed Amir) કહે છે, ` અભિષેક માત્ર બૅટ ગુમાવતો રહે છે. જો દિવસ તેના નામે લખાઈ ગયો હોય તો એમાં તેની મોટી ઇનિંગ્સ જોવા મળી શકે, નહીં તો બૅટિંગ ટેક્નિકની બાબતમાં તેણે ઘણો સુધારો કરવાની જરૂર છે.'

ભારતે (India) લીગ રાઉન્ડની ચારેય મૅચ જીતીને ગ્રૂપ-એમાંથી સૌથી વધુ આઠ પૉઇન્ટ સાથે સુપર-એઇટમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતે પાકિસ્તાનને અને નામિબિયાને આસાનીથી હરાવ્યા હતા અને અમેરિકા તથા નેધરલૅન્ડ્સ સામે થોડા સંઘર્ષ સાથે જીત હાંસલ કરી હતી. સુપર-એઇટ (Super-Eight)ના ગ્રૂપ-1માં ભારત બાવીસમી ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે, 26મી ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે અને પહેલી માર્ચે કોલકાતામાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમશે. ગ્રૂપ-2માં પાકિસ્તાન, ન્યૂ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને શ્રીલંકાનો સમાવેશ છે.

મોહમ્મદ આમિરે ખરેખર તો આખી ભારતીય ટીમની બૅટિંગ પર સવાલ ઉઠાવ્યા છે. ` હારના મના હૈ' શૉમાં વાતચીત દરમ્યાન આમિરે કહ્યું કે ` સુપર-એઇટ રાઉન્ડમાં મુકાબલા વધુ કઠિન હશે. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ જે રીતે રમી રહ્યા છે એ જોતાં તેઓ ભારતની ભલભલી મજબૂત ટીમને પડકારી શકે છે.'

આમિરને જ્યારે ગ્રૂપ-1માંથી સેમિ ફાઇનલમાં પહોંચનારા સંભવિત દેશોના નામ પૂછવામાં આવ્યા ત્યારે તેણે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝના નામ આપ્યા હતા અને ભારતને એ સંભાવનાની બહાર રાખ્યું હતું. આમિરે કહ્યું, ` પાકિસ્તાન સામેના મુકાબલાને બાજુ પર રાખશો તો તમને જણાશે કે બાકીની ત્રણેય મૅચમાં તેમની (ભારતની) બૅટિંગમાં ધબડકો જોવા મળ્યો હતો. સુપર-એઇટ મુકાબલામાં તો દબાણ વધશે. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ જે રીતે રમે છે એ જોતાં તેઓ કોઈ પણ ટીમને હરાવી શકે છે.'