નવી દિલ્હીઃ વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનારા જવાનોને સરકારે એક મોટી ભેટ આપી છે, જે કોઈ જવાનને વીરતા પુરસ્કાર મળે છે, તો તે જવાનો અને તેમના આખા પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે. આમના માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા નવા આદેશ પ્રમાણે આર્મી, એરફોર્સ અને નેવીના વીરતા ચંદ્રકો મેળવનારા સૈનિકો હવે ટ્રેનમાં આજીવન મફત મુસાફરી માટે હકદાર રહેશે.
સૈનિકો માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો
આ સુવિધા ફર્સ્ટ ક્લાસ, 2એસી અને તે એસી ચેર કાર શ્રેણીમાં લાગુ થશે. એટલું જ નહીં, પણ આ મુસાફરી દરમિયાન તેઓ પોતાના સાથે કોઈ એક સાથીને પણ લઈ જઈ શકશે. આ સુવિધા માત્ર વીરતા ચંદ્રકો મેળવનારા સૈનિકો માટે જ નથી, તેનો લાભ તેમના પરિવારને પણ મળવાનો છે. આદેશ પ્રમાણે વીરતા પુરસ્કાર વિજેતાના જીવનસાથીઓ - ભલે વિધવા હોય કે વિધુર, જેમાં પુનર્લગ્ન કરનારાઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. એટલું જ નહીં પરંતુ અપરિણીત મરણોત્તર પુરસ્કાર મેળવનારાઓના માતાપિતા પણ આ આજીવન મફત મુસાફરી સુવિધાનો લાભ લઈ શકશે.
આ નિર્ણયથી સૈનિકોના પરિવારને સહયોગ મળશે
જે જવાનોએ પોતાના જીવ અને પરિવારની ચિંતા કર્યા વિના દેશની સેવા કરી છે, તેવા જવાનોનું આ સન્માન છે. આમ, તો બલિદાનની કોઈ કિંમત નથી હોતી પરંતુ વીરતા પુરસ્કાર વિજેતાઓના પરિવારજનો સામાજિક અને આર્થિક સહયોગ મળી રહે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે જવાનો અને તેમના પરિવારનું મનોબળ વધશે તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.
મૂળ વાત એ છે કે, સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભારતના બહાદુર સૈનિકો પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતાની અભિવ્યક્તિમાં એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ દેશની સેવા માટે જે જવાનોએ પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું છે તેમના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય સેનાના જવાનો કોઈ પણ સ્થિતિમાં દેશની સેવા કરવાનું ભૂલતા નથી. ઉત્તરમાં હિમાલય હોય કે પછી રાજસ્થાનનું રણ હોય! દરેક જગ્યાએ આપણાં જવાનો દેશની રક્ષા માટે અડીખમ તૈનાત રહે છે.