કેનવાસ -અભિમન્યુ મોદી
વર્ષની શરૂઆતમાં એલઓસી કારગીલ કરતાં પણ હથોડા છાપ એવી ફિલ્મ ‘બોર્ડર-ટુ’ આવી. નવ્વાણુંની ‘બોર્ડર’ નું અમર ગીત ‘સંદેસે આતે હૈ’ ને નવેસરથી સરસ રીતે નબળું બનાવીને આ નવી ફિલ્મમાં પણ મૂકેલું. વોર ફિલ્મની વાત તો અહીં નથી કરવી, પણ પોઇન્ટ એ છે કે ‘સંદેસે આતે હૈ, હમે તડપાતે હૈ..’ એ સમય ગયો. ગીતમાં પ્રગટ થતી આ લાગણી અત્યારે આઉટડેટેડ છે. ‘ચિઠ્ઠી આઈ હૈ ...’ ગઝલ સાથે આજની જેન-ઝી કનેક્ટ થઈ શકશે ખરી ? કારણ કે હવે તો નોટિફિકેશન આવે છે અને ઢગલા બંધ નોટિફિકેશન વચ્ચે આવા યુદ્ધના નોટિફિકેશન સખત અવગણના પામે છે. આ છે નયા વિચાર, નયા ઝમાના, ન્યુ નોર્મલ. એવું નોર્મલ જેમાં યુદ્ધ માત્ર એક નોટિફિકેશન- મનોરંજનનું એક માધ્યમ બની ગયું છે.
થોડાક વર્ષ પહેલાં જ આ ચિઠ્ઠીઓના જમાનામાં શું થતું? અડોશી-પાડોશી પૂછતાં રહે કે - તમારો દીકરો મિલિટરીમાં છે તો આ બધું બરાબર છે ને? જવાનના પિતા જવાબ આપે કે - બરાબર જ હશે પણ અમારા સુધી હજુ કોઈ ખબર પહોંચી નથી. ગઈ સદીમાં બે વિશ્વયુદ્ધ ઉપરાંત કેટલાં બધાં યુદ્ધો થયાં. બીજે દિવસે છાપામાં માત્ર મર્યાદિત ફોટો આવે એ જોવા માટે આખી રાત ચિંતામાં પસાર કરવાની થતી. રેડિયો હતા પણ રેડિયો પરના ન્યુઝ એકદમ ટૂંકા અને સીમિત માહિતી આપે એવા. આ પ્રકારનાં માધ્યમોને કારણે એવું થયું કે તે સમયના લગભગ દરેક નાગરિકને યુદ્ધ નામની જણસ બહુ દૂર લાગતી. બધા માટે યુદ્ધ તો બહુ જ દૂરના અંતરે આવેલો એક ‘ઘટના’ માત્ર હતી. યુદ્ધનાં દૃશ્યોની જોયેલી જૂજ ફિલ્મો કે વાંચેલી વાર્તાઓ ને મળેલા ખબર પરથી માત્ર કલ્પના કરવાની રહેતી. હવે સરહદ પારનું યુદ્ધ બિગ બોસનો સેટ બની ગયો છે. લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે. ત્રણ હજાર કિલોમીટર દૂર કોઈ મિસાઈલ ફૂટે અને ત્રણ મિનિટ પછી આપણે ખુદ એ વીડિયો જોઈને નીચે કમેન્ટ કરીએ છીએ. ક્રિકેટની મેચનું સ્કોરબોર્ડ અને વોરમાં ફૂટેલા બોમ્બ કે મરેલા માણસોના આંકડાઓ વચ્ચે શું ફરક રહ્યો છે? ભૂતકાળમાં વોરઝોન તો બાઉન્ડ્રીહતી ને, આપણી ટાઇમલાઈન યુદ્ધક્ષેત્ર બની ગયું છે, જેની આપણે મજા લઇ રહ્યા છીએ. ક્યાંય કોઈ ઘાયલ થાય, કોઈ કાટમાળ નીચે રડતા બાળકનો અવાજ સંભળાય, કોઈ અધમુવી સ્ત્રી વિધવા થઈ ગઈ હોય - આ બધા વિષયો છે, લાઇક્સ અને વ્યૂઝ વધારવા માટે.
પ્રાચીન સમયમાં રોમનો પ્રજાની આ વૃત્તિ સમજી ગયેલા. (પૂરક માહિતી:- એ જમાનામાં ઇન્સ્ટાગ્રામ ન હતું.) રોમ સામ્રાજ્યનું શાસન કરતા કરતા જો અંદરોઅંદર ડખા થઈ જાય ત્યારે રાજદરબારમાંથી અમુક વાતો લીક થઈને પ્રજા સુધી પહોંચે અને પછી એ ગોસીપમાં મસાલો ભળીને મોટી અફવા બને. પ્રજા એકદમ અસ્વસ્થ થઈને બળવો કરે એ પહેલા જ રોમન રાજા કોલોઝિયમમાં ગ્લેડીએટરની ફાઈટનું ફંક્શન ગોઠવી દે. જે મરી જાય એ હાર્યું. હજારો લોકો આવી ફાઈટ જોવા માટે તે વિશાળ કોલોઝિયમ- સ્ટેડિયમમાં ભેગા થાય. લોકો મનોરંજન મેળવે. મૂળ રાજકીય પ્રશ્ન વિસરાઈ જાય. પરિણામે, જે તે રાજા વધુ સમય સુધી ગાદી પર કબજો જાળવી શકે.. રોમન સામ્રાજ્યના બે હજાર વર્ષ પછી પણ આ કહેવાતા સુધરેલા માણસોની વૃત્તિમાં ખાસ કંઈ ફેર નથી પડ્યો. સ્થળ બદલાઈ ગયું છે. કોલોઝિયમનું સ્થાન હવે પોતપોતાના ફોનની સ્ક્રીને લઈ લીધું છે.
ટેક્નોલોજી કંઈ વિલન નથી. પણ આજના માણસ માટે ટ્રેજેડી અને મદારીનો શો બંને સરખા થઈ ગયા છે. ત્રાહિત માણસની પીડા સતત સામે દેખાયા કરે ત્યારે આપણું મનોમસ્તિષ્ક ડિફેન્સ મિકેનિઝમ ઊભી કરે. માણસ અચાનક અસંવેદનશીલ થઈ જાય. પહેલો ધડાકો અંદરથી હલબલાવી મૂકે. દસમો ધડાકો સંભળાય પણ નહીં એવું બને. અને એકસોમો ધડાકો માત્ર મનોરંજન બનીને રહી જાય. આ દુનિયાને અત્યારે મનોરંજન તો જોઈએ છે. વિશ્વયુદ્ધ સમયે સૈનિકોની ખેંચ પડતા ‘નેશન વોન્ટ્સ યોર સપોર્ટ’ ના પોસ્ટર લાગેલા. આજની પ્રજા ત્યાગ કે બલિદાનમાં નથી માનતી એવું નથી. વર્તમાન સમયમાં કંઈક અઘટિત બને તો તરત લોકો બ્લેક પ્રોફાઈલ પિક્ચર મૂકી દે છે, પોતાના મંતવ્યનો વીડિયો શેર કરે છે, યુદ્ધ ઉપરનો કોઈ મેસેજ કે સ્વલિખિત કવિતા ફોરવર્ડ કરી આપે છે. કેટલું સરસ!
અનુભવ સિંહાની ‘અસ્સી’ ફિલ્મનો એક ડાયલોગ તમાચા જેવો છે. કોર્ટના અનુભવી ન્યાયાધીશ કોર્ટમાં બેઠેલાં નાનાં બાળકોને કહે છે - ડુ બેટર ધેન અસ... અમારી પેઢીએ તો કંઈ ખાસ ઉકાળ્યું નથી પણ તમે લોકો આ દુનિયાને બેહતર બનાવજો...!
કેવી ક્રૂર કઠણાઈ છે આ. બધા ઉંમરમાં મોટા અને અનુભવી લોકો લડી રહ્યા છે. માનવ બળ અને કુદરતી સંપત્તિનો કચ્ચરઘાણ વાળી રહ્યા છે. ધર્મના નામે કે પૈસાના નામે લોકોની કત્લેઆમ ચાલે છે. શું આવો સમય જોવા માટે આપણે સૌ સવારથી સાંજ આટલી માથાકૂટ કરી રહ્યા છીએ? શું આ સમય લાવવા માટે સદીઓથી અનેક પેઢીઓએ આ દુનિયા બનાવવાની જહેમત ઉપાડી હતી? સ્ત્રીઓની આબરૂ કાઢવા માટે શું અઈં ડેવલપ કરવામાં આવે છે? ઊડતી ટેક્સીઓ તો શરૂ ન થઈ, પણ આ ઉડતા ડ્રોન તબાહી મચાવે છે શું એના માટે દુનિયાનો દરેક નાગરિક ટેક્સ ભરે છે? હવેનાં બધાં શસ્ત્રો હાઈ ટેક છે. ઈન્ટરનેટ અને સોફ્ટવેર સાથે જોડાયેલાં છે. કમ્પ્યુટર બન્યું અને એના આટલા વર્ષ સુધી કરોડો યુવાનોએ આઈ-ટી ક્ષેત્રમાં પોતાની જિંદગી પસાર કરી છે. બની શકે કે ગાઇડેડ મિસાઈલ ફોડતો સોફ્ટવેર ડેવલપ કરવામાં કે ડ્રોનના એક્સપ્લોઝનમાં આપણા મિત્રોએ લખેલા કોડ પરોક્ષ રીતે જવાબદાર હોય. યુદ્ધના આપણે પણ નાછૂટકે હિસ્સેદાર હોઈએ. આપણે કંઈ કરીએ કે ન કરીએ, આપણી આત્માનો એક નાનોશો અંશ આપણે દરરોજ ગુમાવી રહ્યા છીએ.