નીલા સંઘવી
દહેજ લેવું અને માગવું એ ગુનો છે. દહેજ આપવું એ પણ ગુનો છે લોકો તો માગે પણ તમે આપો છો શા માટે? તમે આપો છો ત્યારે તે લે છે ને? આપો જ નહીં તો સીધા દોર થઈ જાય. આ દહેજના ખપ્પરમાં અનેક અરમાનભરી યુવતીઓએ મૃત્યુને વહાલું કર્યું છે અથવા તો દહેજ ભૂખ્યા વરુઓએ અનેક કોડભરી ક્ન્યાઓને બાળી નાખીને મોતના મોંમાં ધકેલી દીધી છે.
આ ખરેખર કડવી વાસ્તવિકતા છે. દહેજ ઓછું પડે તો દીકરાની વહુને રીતસર ટૉર્ચર કરવામાં આવતી અને તેમાં પતિ સહિત સાસરિયાનો સમગ્ર પરિવાર જોડાતો એવી હજારો ઘટનાઓ બની છે. જયારે દહેજ મૃત્યુનો આતંક હદ વટાવી ગયો ત્યારે સરકાર સફાળી જાગી અને દહેજ માટે ટૉર્ચર કરનાર સાસરિયાઓને જેલના સળિયા ગણતા કરી દીધા. એક મહિલાએ એના પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરી દે. ખરેખર, આ સારો પ્રયાસ હતો. કેટલીયે યુવતીઓ આને કારણે અપમૃત્યુથી બચી છે. જોકે હમણાં થોડાં વર્ષોથી આ કાયદાનો ગેરલાભ લેવાનો શરૂ થયો છે. આવી જ એક ઘટના સુધાબહેન અને જયેશભાઈ સાથે બની.
સુધાબહેન એક શાળામાં શિક્ષિકા અને જયેશભાઈનો પોતાનો વ્યવસાય. એક જ દીકરો દેવ તેમનો લાડકો. પતિ-પત્ની બન્નેની આવકને કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ હતી. દેવ સારું ભણ્યો અને ઉંમર થતાં દરેક મા-બાપની માફક સુધાબહેન અને જયેશભાઈને પણ દીકરાને પરણાવવાના કોડ જાગ્યા. સુખી સમુદ્ધ ઘર, ભણેલો-ગણેલો દેખાવડો દીકરો, શિક્ષિત પરિવાર એટલે દેવ માટે પોતાના જ સમાજમાંથી માગાં આવવા લાગ્યાં. સુધાબહેન-જયેશભાઈ દર રવિવારે મીટિંગ ગોઠવતાં. કોઈ ને કોઈ યુવતી અને તેના પરિવાર સાથે પોતાને ઘેર બોલાવતા.
ઘણી બધી યુવતીઓને જોયા બાદ માતા-પિતા અને દેવ ત્રણેયની નજર ટીના પર ઠરી. સરસ લાગતી હતી ટીના. દેખાવડી અને ભણેલી પણ હતી. પરિવાર પણ સારો લાગતો હતો. યુવક-યુવતી અને બંને પરિવારની સહમતિથી ધામધૂમથી લગ્ન થયાં. સુધાબહેન-જયેશભાઈ કે દેવની ક્ધયા પક્ષ સમક્ષ કોઈ માગણી ન હતી. દહેજની કોઈ માગ તેમણે કરી ન હતી. સુધાબહેને તે વેવાણને કહ્યું હતું, ‘બહેન, અમારે તો ફકત કંકુ અને ક્ધયા જ જોઈએ છે. પહેરેલાં કપડે દીકરીને મોકલશો તો પણ ચાલશે. ભગવાનનું દીધેલ અમારી પાસે ઘણું છે. વળી મારે ક્યાં દીકરી છે? ટીના જ મારી દીકરી. એટલે ટીનાની તો બિલકુલ ચિંતા કરતાં જ નહીં.’
સુધાબહેન-જયેશભાઈ સરળ અને પ્રેમાળ માણસો. તેમણે ટીનાને પ્રેમથી પોતાના ઘરમાં પોતાના પરિવારમાં આવકારી, પણ આ છોકરી ટીના તેમના પ્રેમને આ લોકોની નબળાઈ સમજવા માંડી. સવારે અગિયાર વાગ્યા સુધી સૂઈ રહે, ઘરમાં એક પણ કામ ન કરે. સુધાબહેન બધું જ કામ કરે. દેવ આ જોતો તેને ગમતું નહીં એટલે એક દિવસે કહ્યું, ‘ટીના, તું આટલે મોડે સુધી સૂઈ રહે છે, મમ્મીને બધું કામ કરવું પડે છે. ભલે માણસો કામ કરે પણ મમ્મીએ બધું સુપર વિઝન કરવું પડે, મારું અને પપ્પાનું ટિફિન ભરવું પડે, દરવાજો ખોલવા ઊભા થવું પડે. હવે એમની ઉંમર થઈ છે. આ બધું હવે તારે સંભાળી લેવું જોઈએ.’
‘એટલે શું તું મને નોકરાણી સમજે છે? તું મને આ બધાં કામ કરવા માટે પરણીને લાવ્યો છે?’
‘ટીના, આ શું બોલે છે? ઘરના કામ કરવાથી કોઈ નોકરાણી બની જાય છે? મારી મમ્મી નોકરાણી છે કે બધાં કામ કરે છે. મમ્મીએ તો કયારેય એવું કહ્યું નથી.’
‘ઓ માવડિયા પતિદેવ, તારી મમ્મીને જે માનવું હોય તે માને. મને લેકચર નહીં આપ, આ બધું મારાથી નહીં થાય અને હા, અગિયાર વાગ્યા પહેલાં મારાથી ઉઠાશે પણ નહીં’.
‘રાતના મોબાઇલ જોયા કરે છે એનાં કરતાં સૂઈ જતી હોય તો વહેલી ઊઠી શકે.’
‘લે, એટલે હવે તને મારા મોબાઇલ જોવા સામે પણ વાંધો છે?’ બન્નેને સાંભળતાં સુધાબહેન બોલ્યા, ‘બેટા, દેવના કહેવાનો અર્થ એવો નથી. જો, એક દીકરીને માફક હું તને શિખામણ આપું બેટા. તું આ ઘરની પરિવારની લક્ષ્મી છે. સવારે બહુ વહેલા નહીં તોયે સાડાસાત-આઠ વાગ્યે ઊઠીને નાહી ધોઈને ભગવાનની પૂજા કરીને થોડીવાર કિચનમાં આવે તો મને પણ ગમે. ઘરની લક્ષ્મી ઘર નહીં સંભાળે તો કોણ સંભાળશે બેટા?’
‘ઓહોહો... મા-દીકરો બંને એક થઈ ગયાં. મને નોકરાણી બનાવવા જ માગો છો. તમે બંને જુઓ હવે હું શું કરું છું.’ કહીને ટીના ઘરની બહાર, નીકળી ગઈ. સુધાબહેન અને દેવ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે ચાલી ગઈ.
અડધો એક કલાક થયો હશે ત્યાં તો ઘરમાં પોલીસ આવી અને મા-બાપ-દેવ ત્રણને લઈ ગયા. આ લોકો પૂછતાં રહ્યા શું થયું? ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે તમારી વહુએ ફરિયાદ કરી છે કે તમે ત્રણેય તેને દહેજ માટે ટૉર્ચર કરો છો, એને મારો છો, ઘરમાં કામના ઢસરડા કરાવો છો...
ત્રણેયે આ બધું ખોટું છે કહેવાની ઘણી કોશિશ કરી પણ પોલીસ સાંભળવા તૈયાર જ નહીં. ત્રણેયને લૉક અપ ભેગાં કરી દીધાં. દેવે ઘણી વિનંતી કરી ત્યારે માંડ એક ફોન કરવા દીધો.
દેવનાં કાકા-કાકી આવ્યાં, પોલીસ સાથે વાત કરી પણ દહેજ માટે ટૉર્ચરની વાત આવે એટલે વહુ સાચી હોય અને સાસરિયા દોષી જ હોય તેવું વર્ષોથી બનતું આવ્યું હતું.તેથી એ માન્યતા પોલીસના મનમાં પણ દૃઢ થઈ ગઈ હતી. તેઓ માનતા હતા. થોડીવારમાં પાડોશીઓને પણ ખબર પડી એટલે પાડોશીના દસ પરિવાર પોલીસ ચોકી પહોંચ્યા અને જણાવ્યું કે ‘વર્ષોથી અમે પાડોશી છીએ, આ પરિવાર શાંત છે, કીડી પણ મારે એમ નથી, મોટેથી બોલે એવા પણ નથી. આ લોકો ટૉર્ચર કરી શકે જ નહીં. વહુ ખોટું બોલે છે.’
અંતે ઘણી માથાકૂટ અને સમજાવટ બાદ પોલીસને પણ વાત સાચી લાગી અને દેવના પરિવારને ઘેર જવાની પરમિશન આપી.
માતા-પિતાએ પોતાની દીકરીને પરણાવવી હોય તો ગૃહકાર્ય શીખવવું જાઈએ, ઘરના વડીલોનું માન જાળવવાનું શીખવવું જાઈએ. આવાં ખોટા નાટક કરનાર દીકરીને તેના મા-બાપે જ બે લાફા મારીને પાઠ ભણાવવો જોઈએ.