મુંબઈઃ ઓટીટી પ્લેટફોર્મ પર સુપરહિત રહ્યા બાદ ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ હવે મોટા પડદે બોક્સ ઓફિસ પર પણ પોતાનો સિક્કો જમાવી રહી છે. 4 સપ્ટેમ્બરે હિન્દી અને તેલુગુ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ને જોવા માટે થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જામી રહી છે. ફિલ્મનું નવું ગીત ‘સાંસો કી માલા પે’ પણ સોશિયલ મીડિયા અને મ્યુઝિક ચાર્ટ્સ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મ અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
5મા દિવસે બોક્સ ઓફિસ પર બંપર કમાણી
વીક એન્ડ બાદ પણ પંકજ ત્રિપાઠી અને અલી ફઝલની આ ફિલ્મે પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે અને માત્ર 5 જ દિવસમાં ભારતભરમાં રૂપિયા 125 કરોડનો આંકડો પાર કરી લીધો છે. બોક્સ ઓફિસના આંકડા પ્રમાણે મંગળવારે એટલે કે રિલીઝના પાંચમા દિવસે પણ ફિલ્મે ડબલ ડિજિટમાં કમાણી જાળવી રાખી હતી. દેશભરમાં 10,685થી વધુ શૉઝ સાથે ફિલ્મે મંગળવારે રૂપિયા 15.35 કરોડનું નેટ કલેક્શન કર્યું. આ સાથે જ ફિલ્મની ભારતમાં કુલ નેટ કમાણી રૂપિયા 125.10 કરોડ પહોંચી ગઈ છે.
અન્ય મોટી ફિલ્મો સામે મજબૂત ટક્કર
‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ થિયેટરોમાં સાઉથ સુપરસ્ટાર યશની 'ટોક્સિક' અને 'હનુમાન અંશ' જેવી મોટી ફિલ્મો સામે પણ ટકી રહી છે અને પોતાના બજેટ કરતા ઘણી વધુ કમાણી કરી ચૂકી છે. વિદેશમાં આ ફિલ્મે રૂપિયા 27 કરોડનો વેપાર કર્યો છે. આ સાથે ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’નું કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન રૂપિયા 176.67 કરોડ થઈ ગયું છે. ફિલ્મના રિવ્યૂ જોતા હજી પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી યથાવત રાખશે તેવું લાગી રહ્યું છે.
ગુરમીત સિંહના નિર્દેશન અને પુનીત કૃષ્ણાના લેખનમાં બનેલી આ ફિલ્મને એમેઝોન MGM સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ શર્મા, અલી ફઝલ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત જિતેન્દ્ર કુમાર, અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, મોહિત મલિક, શીબા ચડ્ડા, રાજેશ તૈલંગ, પ્રમોદ પાઠક, શ્રિયા પિલગામકર, હર્ષિતા શેખર ગૌડ, શ્વેતા ત્રિપાઠી અને સોનલ ચૌહાણ જેવા કલાકારોએ પણ મહત્વના રોલ ભજવ્યા છે.