Tue Oct 06 2026

Logo

તેલંગણામાં એમડી ડ્રગ્સ બનાવવાનું કારખાનું પકડાયું:  દંપતી સહિત 18 આરોપીની ધરપકડ: નશીલો પદાર્થ, કેમિકલ સહિત 20 કરોડની મતા જપ્ત

2026-06-02 17:06:00
Author: Yogesh D. Patel
તેલંગણામાં એમડી ડ્રગ્સ બનાવવાનું કારખાનું પકડાયું:  દંપતી સહિત 18 આરોપીની ધરપકડ: નશીલો પદાર્થ, કેમિકલ સહિત 20 કરોડની મતા જપ્ત

MBVV Police


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસ દ્વારા એમડી ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે હાથ ધરાયેલી તપાસનો રેલો તેલંગણાના ઝહિરાબાદ તાલુકા સુધી પહોંચ્યો હતો, જ્યાં ડ્રગ્સ બનાવવાનું કારખાનું પોલીસે પકડી પાડ્યું હતું. પોલીસે અત્યાર સુધીમાં દંપતી સહિત 18 આરોપીની ધરપકડ કરી હોઇ નશીલો પદાર્થ અને તે બનાવવા માટે વપરાતા કેમિકલ સહિત 20.72 કરોડ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી છે.

પોલીસ કમિશનર નિકેત કૌશિકે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે 4 એપ્રિલે મીરા રોડના નયાનગરમાં આવેલી છેડા આદર્શ બિલ્ડિંગના ફ્લેટમાં રેઇડ પાડીને ફિરદોસ અરબાઝ કુરેશી નામની મહિલાને 2.66 કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી. ફિરદોસ અને તેના પતિ અરબાઝ સામે ગુનો દાખલ કર્યા બાદ પોલીસે તપાસ કરીને મીરા રોડ, આગ્રીપાડા, માલવણી અને મનોરી વિસ્તારમાંથી ડ્રગ્સ, તે બનાવવા માટેનું કેમિકલ, લેબોરેટરીનાં ઉપકરણો સહિત 13.65 કરોડની મતા જપ્ત કરીને પંદર જણની ધરપકડ કરી હતી.

દરમિયાન ગુનામાં સંડોવાયેલા સંદીપ વિરાસ્વામી નાયડુ અને નસીર ઉર્ફે બાબા જાનિમિયાં શેખની 28 મેના રોજ રાયગડના ખાલાપુરથી, જ્યારે 29 મેના રોજ મેહમૂદ મેહબૂબ ખાનની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી નસીર શેખે તેલંગણાના ઝહિરાબાદ તાલુકામાં પોતાના ફાર્મ હાઉસમાં ડ્રગ્સ બનાવવાનું કારખાનું શરૂ કર્યું હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યા બાદ પોલીસ ટીમે ઉપરોક્ત કારખાનામાં રેઇડ પાડી હતી.

રેઇડ દરમિયાન પોલીસે ત્યાંથી ત્રણ કિલો એમડી ડ્રગ્સ, ડ્રગ્સ બનાવવા માટે વપરાતું ક્લોરોફોર્મ, એસેટોન, મોનોમેથીલામાઇન, હાઇડ્રોક્લોરિક એસિડ, 2-બ્રોમો સહિત 2293 લિટર કેમિકલ અને લેબોરેટરીનાં ઉપકરણો જપ્ત કર્યાં હતાં. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પોલીસ શોધ ચલાવી રહી છે.