મુંબઈ: મીરારોડમાં આજે સવારે બાંધકામ હેઠળ રહેલા મેટ્રોના બ્રિજના સ્લેબનો કેટલોક ભાગ જમીન પર પડ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી હતી.આ દુર્ઘટનાને કારણે રસ્તા પરથી જઈ રહેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, કારણકે આ સ્લેબનાં ટુકડા સ્કૂલની બસ પર પણ પડ્યા હતા જેમાં બાળકો હતા. જોકે જરાક માટે તે બસ મોટી દુર્ઘટનાથી બચી હોવાની માહિતી ત્યાં હાજર લોકોએ આપી હતી.
મીરા-ભાયંદર રોડ પર થુંગા હોસ્પિટલ નજીક, સંજોલી જ્વેલર્સ પાસે મેટ્રોના સ્લેબનો એક ભાગ અચાનક રોડ પર પડ્યો. તે સમયે પસાર થઈ રહેલી સ્કૂલની જરાક માટે બચી ગઈ. સ્લેબનો ટુકડો સીધો બસની છત પર પડતાં છતને નુકસાન થયું. વાયરલ વીડિયોમાં રોડ વચ્ચે કાટમાળ અને નુકસાનગ્રસ્ત સ્કૂલની બસ સ્પષ્ટ દેખાઈ રહી છે. બસમાં બાળકો હોવાનો દાવો પણ વિડિયોમાં દાવો કરાયો છે.
અત્યાર સુધી આ દુર્ઘટનાને કારણે કોઈના ઈજાગ્રસ્ત થવાની વિગત સામે આવી નથી. પણ આ દુર્ઘટનાએ તંત્રના કથળેલા કારભારને ઉજાગર કર્યો છે. જરાક માટે સ્કૂલ બસ બચી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પણ આ ઘટનાથી શહેરમાં નિર્માણધીન પ્રકલ્પના બ્રિજ નજીકથી પસાર થવું કેટલું સલામત તેવો પ્રશ્ન પણ નિર્માણ થયો છે.
Schoolbus escapes as under work #Metro slab collapses near #MiraRoad. Work is done by #mmrda. #trending #accident #mumbai pic.twitter.com/mGXaMM4wRQ
— Chetna Raja (@ChetnaRaja) August 17, 2026
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે 14 ફેબ્રુઆરીના મુલુંડમાં પણ મેટ્રો ચારના નિર્માણાધીન બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને ત્રણ લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ પણ જો મીરા રોડ પાસે નિર્માણાધીન મેટ્રોના બ્રિજનો સ્લેબ પડે તો સવાલ એ જ છે કે તંત્રએ શું પાઠ ભણ્યો? બાંધકામના સ્થળે સલામતીના કયા પગલાં લેવાયા? રોજ લાખો લોકો જે રસ્તા પરથી પસાર થાય છે ત્યાં આ પ્રકારની બેદરકારી કેમ?
આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામની ઝડપ જેમ જેમ વધી રહી છે તેમ તેમ સલામતીને અવગણવામાં આવી રહી છે તેવી સ્થાનિકોની ફરિયાદ છે. પોલીસ અને મેટ્રો અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સ્લેબ કેમ પડ્યો તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
મુલુંડની દુર્ઘટનાએ જીવ લીધા, મીરા રોડની દુર્ઘટનાએ ચેતવણી આપી. હવે તંત્ર જાગશે કે બીજી મોટી દુર્ઘટનાની રાહ જોશે? આ દુર્ઘટનાની જવાબદારી આખરે કોણ લેશે? તપાસના નામે ફાઈલ ફરશે અને પછી બધું ભુલાઈ જશે તેવા સવાલો પણ આજે નિર્માણ થયા છે.