તહેરાન: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના સમયગાળામાં રોજ એક દિવસનો વધારો થઈ રહ્યો છે, તેમ છતા હજુ સુધી યુદ્ધના પૂર્ણ થવાના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. પરંતુ હવે આ યુદ્ધ વધારે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ સ્થિતિની વચ્ચે એવા અહેવાલો છે કે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ હવે ઈરાન વિરુદ્ધના આ યુદ્ધમાં સીધી રીતે સામેલ થવાની તૈયારી કરી રહ્યા છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અહેવાલો અનુસાર, આ વ્યૂહાત્મક ફેરફારમાં સાઉદી અરેબિયાએ અમેરિકાને તેના 'કિંગ ફહદ એર બેઝ'નો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. લાંબા સમયથી સાઉદી અરેબિયાની એવી નીતિ રહી હતી કે તેના એર બેઝનો ઉપયોગ પડોશી દુશ્મન દેશો પર હુમલા માટે નહીં કરવા દેવામાં આવે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આ નિર્ણય ઈરાન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, UAEએ દુબઈમાં સ્થિત ઈરાની માલિકીની હોસ્પિટલ અને ક્લબને બંધ કરી દીધી હોવાના અહેવાલ છે. એવા પણ અહેવાલો છે કે ઈરાન પર છોડવામાં આવેલી કેટલીક મિસાઈલો બહેરીનથી છોડવામાં આવી હતી.
વળી રાજદ્વારી મોરચે પણ ઈરાન એકલું પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સાઉદી અરેબિયાએ તેની પ્રાદેશિક સાર્વભૌમત્વના ઉલ્લંઘનનો આરોપ લગાવીને ઈરાનના સૈન્ય એટેચી અને અન્ય ચાર દૂતાવાસના કર્મચારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. દરમિયાન, UAEની વાયુ સંરક્ષણ પ્રણાલી સતત ઈરાન તરફથી થઈ રહેલા મિસાઈલ હુમલાઓને રોકવા માટે સક્રિય છે. આ ઘટનાક્રમો પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે ગલ્ફ દેશો હવે ઈરાન વિરુદ્ધ એક થઈ રહ્યા છે.
વૈશ્વિક મધ્યસ્થી અને યુદ્ધની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલવા માટે આપેલી સમયમર્યાદા લંબાવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર જાહેરાત કરી છે કે અમેરિકા પાંચ દિવસ માટે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર થનારા હુમલાઓને ટાળી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે વાતચીત દ્વારા યુદ્ધનો ઉકેલ આવી શકે છે, જોકે ઈરાની સત્તાવાળાઓએ હાલમાં કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવાનો ઈન્કાર કર્યો છે.