Sat Mar 14 2026

Logo

મિડલ ઈસ્ટના યુદ્ધની અસર: વૈશ્વિક શેરબજારોમાં 'કડાકો', પણ રશિયન માર્કેટમાં 'તેજી'

1 week ago
Author: Kshitij Nayak
Article Image

ક્રૂડ ઓઈલના ભાવ વધતા રશિયન કંપનીઓના શેરમાં ઉછાળો, જાણો શું છે કારણ?

નવી દિલ્હી/મોસ્કો/તહેરાનઃ મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે એશિયાઈ સ્ટોકમાર્કેટમાં ઊંધા માથે પછાડાયા હતા, જ્યારે ઈન્ટ્રા ડેમાં સૌથી મોટો કડાકો નોંધાયો હતો. મુંબઈ સ્ટોક માર્કેટના મહત્ત્વના બેન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ઈન્ડેક્સ નિફ્ટી ઈન્ડેક્સમાં ઈન્ટ્રા ડેમાં સૌથી મોટો કડાકો નોંધાયા પછી માર્કેટ બંધ વખતે બંને બેન્ચમાર્ક 1.29 ટકાની આસપાસ તૂટ્યા હતા, જ્યારે એશિયાઈ માર્કેટ પણ ધરાશાયી થયા હતા. અમેરિકા, પાકિસ્તાન સહિત એશિયાઈ માર્કેટમાં કડાકો નોંધાયો હતો, પરંતુ રશિયન માર્કેટમાં તેજી રહી હતી. 

સેન્સેક્સ-નિફ્ટી અનુક્રમે 1.29-1.24 ટકા તૂટ્યાં

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે મુંબઈ શેરબજારના ખૂલતા માર્કેટ તૂટ્યા હતા, જેમાં એક તબક્કે 2,743.46 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો, પરંતુ માર્કેટ બંધ થયા પછી સેન્સેક્સમાં 1,048.34 પોઈન્ટ (1.29 ટકા) ઘટીને 80,238 પોઈન્ટના મથાળે બંધ રહ્યો હતો.

ઉપરાંત, નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 312.95 પોઈન્ટ તૂટીને 24,865.70 પોઈન્ટના મથાળે રહ્યો હતો, જે ઈન્ટ્રા ડેમાં 2.28 ટકા સુધી તૂટ્યો હતો. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ખાડી દેશોમાં તંગ માહોલનું નિર્માણ થયું છે, તેમાંય વળી ઈરાને સાઉદી અરેબિયાના સૌથી મોટી ઓઈલ રિફાઈનરી કંપની સાઉદી અરામકો પર ડ્રોન હુમલો કર્યા પછી વાતાવરણ વધુ તંગ બન્યુ હતું. રિફાઈનરીને સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવી હતી.

સેન્સેક્સની 27 કંપનીના સ્ટોક રેડ ઝોનમાં

આજે સેન્સેક્સનની 30માંથી ફક્ત 3 કંપનીના સ્ટોકમાં મામુલી વૃદ્ધિ સાથે અન્ય કંપનીના સ્ટોકમાં રેડ ઝોનમાં રહ્યા હતા. 30માંથી 27 કંપનીના સ્ટોકમાં જોરદાર વેચવાલી નીકળતા તૂટ્યા હતા. એ જ રીતે નિફ્ટીના પચાસમાંથી 8 કંપનીના સ્ટોક તૂટ્યા હતા, જ્યારે 42 કંપનીના સ્ટોકમાં ધોવાણ રહ્યું હતું. સેન્સેક્સમાં સમાવિષ્ટ બીઈએલ સૌથી વધુ તૂટ્યો હતો, જેમાં 2.20 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઈન્ડિગોનો શેર આજે સૌથી વધુ તૂટ્યો હતો. ઈન્ડિગોનો સ્ટોક 5.87 ટકા તૂટ્યો હતો. બીજી બાજુ સન ફાર્મા અને આઈટીસીના શેર અનુક્રમે 0.82 ટકા અને 0.38 ટકાની વૃદ્ધિ રહી હતી.

દુનિયાભરના બજાર પટકાયા પણ રશિયન માર્કેટ નહીં

ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે દુનિયાભરના દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. એશિયાઈ માર્કેટમાં જાપાનનો નિક્કી એક ટકા તૂટ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ તૂટ્યો હતો, જ્યારે યુરોપિયન માર્કેટ પણ તૂટ્યા હતા. સૌથી મોટો કડાકો પાકિસ્તાન સ્ટોકમાર્કેટમાં બોલાયો હતો, જેનું કામકાજ 45 મિનિટ રોકવું પડ્યું હતું. ઈન્ટ્રા ડેમાં KSE-30 5,000 પોઈન્ટ તૂટીને 46,351 પોઈન્ટના નીચા મથાળે રહ્યો હતો, જે પાકિસ્તાના સ્ટોકમાર્કેટનો ઐતિહાસિક કડાકો નોંધાયો હતો. ટ્રેડિંગ શરુ થયા પછી પણ તૂટ્યો હતો. પાકિસ્તાનના કડાકા માટે મિડલ ઈસ્ટ સાથે અફઘાનિસ્તાન સાથેનો વિવાદનું કારણ જવાબદાર છે. 

વૈશ્વિક નાણાકીય અસ્થિરતા વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)નું માર્કેટ બીજી અને ત્રીજી માર્ચ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. બીજી બાજુ અમેરિકા, ચીન, જાપાન સહિત ભારત સહિત અન્ય એશિયન માર્કેટ તૂટ્યા હતા, પરંતુ એક માર્કેટમાં તેજી રહી હતી. રશિયન સ્ટોકમાર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને રશિયન ઓઈલ અને ગેસ કંપનીના શેરમાં લેવાલી રહી હતી. રોનેફ્ટ, લ્યુકોઈલ સહિત નોવાટેકમાં જોરદાર તેજી રહી હતી. રશિયન સ્ટોકમાર્કેટના મહત્ત્વના બેન્ચમાર્ક MOEX આજે 1.50 ટકા વધ્યો હતો, જ્યારે તેલ અને ઓઈલ કંપનીના શેરમાં છ ટકા સુધીનો સુધારો રહ્યો હતો. 

રશિયન સ્ટોકમાર્કેટમાં શા માટે તેજી જોવા મળી?

રશિયન સ્ટોકમાર્કેટમાં તેજી માટે ક્રૂડ ઓઈલના પુરવઠાનું વધતું સંકટ જવાબદાર છે. મિડલ ઈસ્ટમાં બેન્ટ ક્રૂડના ભાવમાં પંદર ટકા સુધીનો વધારો થવાની અટકળો વહેતી થઈ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને બેરલદીઠ 79.50 અમેરિકન ડોલરની આસપાસ રહ્યો છે. માર્કેટમાં વધતી અસ્થિરતા વચ્ચે યુદ્ધનો માહોલ યથાવત રહ્યો હતો ક્રૂડના ભાવમાં ઔર વધારો થઈ શકે છે. ઈરાન પરના હુમલાને કારણે ઊર્જા સેક્ટરમાં અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો છે, જ્યારે બીજી બાજુ રશિયન કંપનીઓને ફાયદો થઈ શકે છે, એવો નિષ્ણાતોએ દાવો કર્યો હતો.