Thu May 07 2026

Logo

વૈભવ સૂર્યવંશી 21 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લેશે! ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટને આવું કેમ કહ્યું

2026-05-07 15:32:00
Author: Savan Zalaria
Article Image

લંડન: બિહારનો 15 વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશી હાલ ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 19મી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, ટૂંક સમયમાં તે ભારતની સીનીયર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવે તેવી શકયતા છે. જો એવું થશે તો વૈભવ સૌથી નાની વયે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારો ખેલાડી બની શકે છે. એવામાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને દાવો કર્યો કે વૈભવ 21 વર્ષની ઉમરે નિવૃત્તિ લઈ શકે છે.

ક્રિકેટને લગતા એક પોડકાસ્ટના તાજેતરના એપિસોડ દરમિયાન, માઈકલ વોન, ફિલ ટફનેલ, એલિસ્ટર કૂક અને ડેવિડ લોયડે ક્રિકેટ જગતના હાલના અલગ અલગ વિષયો પર ચર્ચા કરી હતી, આ દરમિયાન તેમણે IPL 2026માં વૈભવ સૂર્યવંશીના પ્રદર્શનના ભરપુર વખાણ કર્યા.  

માઈકલ વોને ચર્ચાની શરૂઆતમાં કહ્યું કે, “ક્રિસ ગેલે સૌથી ઝડપી IPL સદી ફટકારી છે -30 બોલમાં. આ બાળક 35 બોલમાં 100 રન બનાવી ચૂક્યો છે. IPLની એક જ આવૃત્તિમાં કોઈપણ ભારતીય બેટર દ્વારા સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ અભિષેક શર્મા પાસે છે, તેણે 2024માં 42 છગ્ગા ફટકાર્યા હતાં. આ બાળક આ સિઝનમાં 37 છગ્ગા ફટકારી ચુક્યો છે." 
જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે હાલમાં વિશ્વનો બેસ્ટ સિક્સ-હિટર છે, ત્યારે કૂકે ભારપૂર્વક કહ્યું, "ચોક્કસ હા. 14 વર્ષની ઉંમરે તેને શા માટે સાઈન કરવામાં આવ્યો? તેણે બે વર્ષનો કરાર કર્યો છે. આવતા વર્ષે હરાજીમાં તેના પર કેટલો દાવ લાગશે? જો તે કહે કે તે હરાજીમાં જવા ઈચ્છે છે તો શું થશે?"

હરાજીના મુદ્દા પર વોન કૂક સાથે સહમત ન હતા, તેમણે કહ્યું કે રાજસ્થાન રોયલ્સ તેને આટલી સરળતાથી નહીં છોડે.

વૈભવ 21 વર્ષે નિવૃત્તિ લઇ લેશે!
આ દરમિયાન ફિલ ટફનેલે મજાકમાં કહ્યું કે વૈભવ સૂર્યવંશી જે દરે પ્રગતિ કરી રહ્યો છે, તે જોતાં તે 21 વર્ષે રીટાયર થઇ શકે છે. તેણે કહ્યું, "તે 21 સુધીમાં બર્નઆઉટ થઈ શકે છે.:

વોને ઉમેર્યું, "તેની પાસે ત્યાં સુધીમાં પૂરતા પૈસા હશે. કદાચ તે ત્યાં સુધીમાં નિવૃત્તિ લઈ લેશે."

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન શેન વોર્ન સૂર્યવંશી અનેક વાર વૈભવને ભારતની રાષ્ટ્રીય ટીમમાં સમાવવાનું સમર્થન કરી ચુક્યા છે. તેમણે કહ્યું, “તે ચોક્કસ આયર્લેન્ડ પ્રવાસ પર આવશે. તે ટીમમાં હોવો જોઈએ."