કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગ
મુંબઈ: પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં નજીવી બાબતમાં યુવકની હત્યા કરવાના કિસ્સામાં રેલવે પોલીસે કોર્ટમાં 1,100 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. 23 જૂનના લોકલ ટ્રેનમાં મયંક લોહારની રોશન સુવર્ણાએ ટ્રેનનો દરવાજો બંધ કરવા જેવી નજીવી બાબતમાં હત્યા કરી હતી. આ હત્યા કેસમાં બોરીવલી રેલવે પોલીસ (જીઆરપી)એ મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ કેસમાં બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં આશરે 1,100 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તેની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની તેમ જ સરકાર તરફથી વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવાની માગણી કરી છે.
પોલીસે તૈયાર કરેલી ચાર્જશીટમાં કેસ સાથે જોડાયેલા કુલ 68 સાક્ષીઓના નિવેદનો સામેલ કરવામાં આવ્યા છે. તેમાં ઘટનાના સમયે લોકલ ટ્રેનના ડબ્બામાં હાજર રહેલા મુસાફરો અને ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોનો પણ સમાવેશ થાય છે.
રેલવે પોલીસે કેસને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ વૈજ્ઞાનિક અને ડિજિટલ પુરાવા પણ રજૂ કર્યા છે. ઘટનાના સમયે ટ્રેનના ડબ્બામાં મુસાફરો દ્વારા બનાવવામાં આવેલો અને બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો, ફોરેન્સિક લેબોરેટરીનો રિપોર્ટ તેમ જ ગુનામાં વપરાયેલુ લોહીથી ખરડાયેલું ચાકુ મહત્વના પુરાવા તરીકે ચાર્જશીટમાં રજૂ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ 23 જૂને મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે લોકલ ટ્રેનમાં દરવાજો બંધ કરવાના મુદ્દે મયંક લોહાર અને આરોપી 30 વર્ષીય રોશન સુવર્ણ વચ્ચે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતો આ વિવાદ જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો.બોલાચાલી દરમિયાન રોશન સુવર્ણે ચાકુ કાઢીને મયંક લોહાર પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે મયંકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આરોપી રોશનને પોલીસે તે મુંબઈ છોડીને ભાગવાની તૈયારીમાં હતો ત્યારે 24 કલાકની અંદર ઝડપી લીધો હતો. બાદમાં તેની પાસેથી હત્યા માટે તેને વાપરેલું ચાકુ પણ પોલીસે ઝબ્બે કર્યું હતું. કેસનો આરોપી રોશન સુવર્ણા હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.
મયંક લોહારના પિતા રમેશ લોહારે પુત્રની હત્યાના આરોપીને કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે આરોપીને એવી સજા મળવી જોઈએ કે ભવિષ્યમાં આવા ગુનાઓ કરતા લોકોમાં કાયદાનો ડર રહે.
મયંક લોહાર હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ હવે કેસની આગળની કાનૂની પ્રક્રિયા પર લોકોની નજર છે. રેલવે પોલીસનું કહેવું છે કે ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને કેસની સુનાવણી ઝડપથી થાય અને પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તે માટે તેઓ ફાસ્ટ ટ્રેક સુનાવણી તથા વિશેષ સરકારી વકીલની નિમણૂક માટે આગ્રહ કરી રહ્યા છે.