Thu Aug 20 2026

Logo

માટુંગામાં પાલિકાની વૉર્ડ ઑફિસ બહાર કોન્ટ્રાક્ટર પર ચાકુથી હુમલો

2026-08-04 20:47:00
Author: Yogesh C. Patel
Article Image

કોન્ટ્રાક્ટરે પણ હુમલાખોર પર ચાકુ વીંઝ્યું: વીડિયો વાયરલ: બન્ને જખમી હૉસ્પિટલમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટને મુદ્દે થયેલા વિવાદમાં માટુંગામાં વૉર્ડ ઑફિસ બહાર જ ચાકુ ચાલ્યા હોવાની ઘટના સામે આવી હતી. ધમકી આપનારા શખસે કોન્ટ્રાક્ટર પર ચાકુથી હુમલો કર્યો તો કોન્ટ્રાક્ટરે પણ હુમલાખોર પર ચાકુથી ઘા કર્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોઈ જખમી બન્નેને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

માટુંગા પોલીસના જણાવ્યા મુજબ સોમવારની બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં કોન્ટ્રાક્ટર ભૈરુ સિંહ (43)ની ફરિયાદને આધારે ચાર શખસ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ગુનામાં વપરાયેલાં બન્ને ચાકુ જપ્ત કર્યાં હતાં. પાલિકાના કોન્ટ્રાક્ટને મુદ્દે બે કોન્ટ્રાક્ટ વચ્ચે થયેલા વિવાદમાં આ હુમલો થયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ભાયંદરમાં રહેતા સિંહે અઠવાડિયા અગાઉ માટુંગાની ઝૂંપડપટ્ટીમાં લાદી અને કોબો કરવાના કોન્ટ્રાક્ટનું ટેન્ડર ઑનલાઈન ભર્યું હતું. ત્યાર પછી બીજી ઑગસ્ટે ફરિયાદીના મોબાઈલ પર ફોન કરી અજાણ્યા શખસે માટુંગામાં બીએમસીના કોન્ટ્રાક્ટ લેવા મામલે ધમકી આપી હતી.

ટેન્ડર સંબંધી તપાસ કરવા માટે ફરિયાદી સોમવારે બપોરે માટુંગાના ભાઉ દાજી રોડ પર આવેલી પાલિકાની એફ નૉર્થ વૉર્ડમાં ગયો હતો. અધિકારીને મળ્યા પછી ફરિયાદી પાછલા ગેટથી તેલંગ રોડ પરના પાયોનિયર હૉલ નજીક પહોંચ્યો ત્યારે ચાર શખસે તેને રોક્યો હતો. નામ પૂછ્યા પછી ફરિયાદીની મારપીટ કરવામાં આવી હતી. પછી એકે ફરિયાદીના પેટ પર ચાકુનો ઘા કર્યો હતો તો બીજાએ હાથ પર બિયરની બૉટલ ફટકારી હતી.

ફોન પર મળેલી ધમકીને પગલે ફરિયાદી પોતાની સાથે ચાકુ લઈને ગયો હતો. ફરિયાદીએ ચાકુ દેખાડતાં હુમલાખોર ભાગવા લાગ્યા હતા. ફરિયાદીએ પીછો કરી એક હુમલાખોરના પગ પર ચાકુથી ઘા કર્યો હતો, જેને પગલે તે જમીન પર ફસડાઈ પડ્યો હતો, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

દરમિયાન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જખમીઓને સારવાર માટે સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.