Thu Sep 03 2026

Logo

મૅથ્યૂ હેડને ગુજરાત ટાઇટન્સના ડગઆઉટમાંથી કચરો ઉપાડી લીધો, ભારતીયોને બોધ શીખવ્યો

2026-04-03 21:39:32
Author: Ajay Motiwala
મૅથ્યૂ હેડને ગુજરાત ટાઇટન્સના ડગઆઉટમાંથી કચરો ઉપાડી લીધો, ભારતીયોને બોધ શીખવ્યો

ન્યૂ ચંડીગઢઃ મંગળવારે અહીંના મેદાન પર પંજાબ કિંગ્સ સામેની મૅચ વખતે ઑસ્ટ્રેલિયાના મહાન બૅટ્સમૅન અને ગુજરાત ટાઇટન્સના બૅટિંગ-કોચ મૅથ્યૂ હેડને (Hayden) એવું કામ કર્યું જેનાથી તેણે અનેકના દિલ જીતી લીધા છે તેમ જ તેના આ કાર્ય પરથી ભારતીયોએ શીખવા જેવું છે એવી ટિપ્પણી થઈ રહી છે.

આ બનાવને લગતો વીડિયો અને ફોટો પંજાબ-ગુજરાત વચ્ચેની મૅચ સમયની હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. આ વીડિયો ગુજરાત ટાઇટન્સની ટીમના `એક્સ' પરના સત્તાવાર હૅન્ડલ પર શૅર કરવામાં આવ્યો હતો. ગુજરાતનો આ મૅચની અંતિમ ઓવરમાં ત્રણ વિકેટે પરાજય થયો હતો.

54 વર્ષીય મૅથ્યૂ હેડન બાઉન્ડરી લાઇન તેમ જ ગુજરાતની ટીમના ડગઆઉટમાંથી અને એની આસપાસના ભાગમાંથી પ્લાસ્ટિકની બૉટલ તેમ જ અન્ય કચરો (Garbage) ઉપાડીને કચરાપેટીમાં નાખતો જોવા મળ્યો હતો.

સોશ્યલ મીડિયામાં કેટલાક ક્રિકેટપ્રેમીઓએ મૅથ્યૂ હેડનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેણે શાંતિપૂર્વક કચરો ઉપાડીને ડસ્ટબિનમાં ફેંકયો હતો. એક ક્રિકેટ ચાહકે એક્સ પર હેડન વિશે લખ્યું હતું, `મેદાન પર તેમ જ મેદાનની બહાર પણ લેજન્ડ.' અન્ય એક જણે લખ્યું, `મોટા દિલવાળો હેડન.' અન્ય એક જણે લખ્યું, `આશા રાખીએ આપણે આ સુપરસ્ટાર પરથી કંઈક શીખીશું.'