Tue Aug 25 2026

Logo

મેટ્રિમોનિયલ વેબસાઈટ પર મુલાકાત પછી યુવાન સાથે 34 લાખની છેતરપિંડી

2026-02-18 20:58:00
Author: Yogesh C. Patel
મેટ્રિમોનિયલ વેબસાઈટ પર મુલાકાત પછી યુવાન સાથે 34 લાખની છેતરપિંડી

થાણે: મેટ્રિમોનિયલ વેબસાઈટ પર મુલાકાત પછી મિત્રતા કરી ‘યુવતી’એ છેતરામણી સ્કીમમાં રોકાણ કરવા લલચાવીને થાણેના યુવાન સાથે 34 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હતી.

30 વર્ષના યુવાને કાપૂરબાવડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર એક જાણીતી લગ્ન સંબંધી વેબસાઈટ પર યુવાન અર્ચના ગોવડાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીની પૂર્ણ ઓળખ અને સરનામાની અત્યારે જાણ નથી, પણ ફરિયાદીએ તેની સાથે પોતાનો મોબાઈલ નંબર શૅર કર્યો હતો. બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા પછી યુવતીએ ફરિયાદી સાથે ‘સંબંધ’ વિકસાવવામાં રસ દાખવ્યો હતો.

બાદમાં 26 ડિસેમ્બર, 2025થી 13 ફેબ્રુઆરી, 2026 દરમિયાન આરોપીએ એક વેબસાઈટ લિંક મારફત ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા પર ઊંચા વળતરની ખાતરી આપી ફરિયાદીને રોકાણ કરવા લલચાવ્યો હતો. આરોપીની જાળમાં સપડાયેલા ફરિયાદીએ 34.10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
જોકે પછીથી ફરિયાદીને જાણ થઈ હતી કે એ ઈન્વેસ્ટમેન્ટ પ્લૅટફોર્મ બનાવટી હતું અને તેની સાથે 34.10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પ્રકરણે ફરિયાદને આધારે મંગળવારે કાપૂરબાવડી પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ જે બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર થયાં હતાં તેની વિગતો પ્રાપ્ત કરી વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)