Thu Sep 03 2026

Logo

ભારે વરસાદથી ભાંડુપમાં રસ્તો ધસી પડયો

2026-07-04 18:09:22
Author: Sapna Desai
ભારે વરસાદથી ભાંડુપમાં રસ્તો ધસી પડયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે શનિવારે બપોરે ભારે ભાંડુપ (પશ્ર્ચિમ) માં લાલ બહાદુર શાસ્ત્રી (એલબીએસ) માર્ગ પર  લગભગ ૧૦૦ ફૂટ બાય ૧૦૦ ફૂટનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, તેને  કારણે રસ્તા પર એક મોટો ખાડો બની જતા ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. સાયનથી થાણે સુધી એલબીએસ માર્ગ પર હંમેશા ભારે ટ્રાફિક રહેતો હોય છે. તેમાં પણ હાલ એલબીએસ પર મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું હોઈ પહેલાથી રસ્તો સાંકડો થઈ ગયો છે, જેમાં શનિવારે બપોરે એક વાગ્યાની આસપાસ એલબીએસમાર્ગ પર એશિયન પેઇન્ટ પરિસરની સામે આ ઘટની બની હતી, જ્યાં ખોદકામ ચાલી રહ્યું હતું.

પાલિકાના ‘એસ’વોર્ડના અધિકારીના જણાવ્યા અનુસાર સદ્નસીબે કોઈને ઈજા થઈ નહોતી જોકે રસ્તો ધસી જતા પાર્ક કરેલો એક ટેમ્પો રસ્તાના તૂટી ગયેલા ભાગમાં પડી ગયો. ‘એસ’ વોર્ડના અધિકારીઓ રસ્તો ધસી પડતા તરત જ ઘટનાસ્થળે દોડી ગયા અને અસરગ્રસ્ત વિસ્તારને બેરિકેડસથી બંધ કરી દીધો હતો. 
એલબીએસ માર્ગ પર હંમેશા ટ્રાફિક રહેતો હોય છે ત્યારે રસ્તો ધસી પડયા બાદ અહીંના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. રસ્તો ધસી પડવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નહોતું. જોકે અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હોવાનું માનવામાં આવે છે.