Mon Jul 27 2026

Logo

ફક્ત ભારત માટે નહીં...', અમેરિકાની નવી ઇમિગ્રેશન પૉલિસી પર માર્ક રુબિયોનું નિવેદન

2026-05-24 09:18:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ શનિવારે ટ્રમ્પ પ્રશાસનની નવી ઇમિગ્રેશન પોલિસીનો બચાવ કરતા જણાવ્યું કે, આ નિર્ણય માત્ર ભારતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે લાગુ કરવામાં આવેલી એક વ્યાપક સુધારા પ્રક્રિયાનો ભાગ છે.

નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રુબિયોએ કહ્યું કે, ટ્રમ્પ પ્રશાસન અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં મોટા ફેરફારો કરી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશને ગંભીર પ્રવાસી કટોકટીનો સામનો કરવો પડ્યો છે.

રુબિયોએ કહ્યું, 'આ ફક્ત ભારત માટે નથી, આ સમગ્ર વિશ્વ સાથે જોડાયેલી બાબત છે. અમેરિકાએ નિર્ણય કર્યો છે કે તેણે પોતાની ઇમિગ્રેશન વ્યવસ્થાને વધુ વ્યવસ્થિત અને સારી બનાવવી પડશે.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં અમેરિકામાં 2 કરોડથી વધુ ગેરકાયદે પ્રવાસીઓ દાખલ થયા છે અને ગ્રીન કાર્ડ સિસ્ટમનો મોટા પાયે દુરુપયોગ થયો છે. આ જ કારણે અમેરિકાએ ઇમિગ્રેશન પ્રોસેસ (સ્થળાંતર પ્રક્રિયા)ને કડક બનાવવાનો નિર્ણય લીધો છે.

અમેરિકાએ ઇમિગ્રેશન પૉલીસીમાં શું ફેરફાર કર્યો?

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન મુજબ, હવે કાયમી વસવાટ એટલે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા મોટાભાગના પ્રવાસીઓએ પોતાના દેશ પાછા ફરીને ત્યાંથી જ અરજી કરવી પડશે. પહેલાં ઘણા લોકો અમેરિકામાં રહીને જ 'એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ'ની પ્રક્રિયા પૂરી કરી લેતા હતા.

એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની અંદર રહીને સ્ટેટસ એડજસ્ટમેન્ટ કરવું એ હવે એક અપવાદ માનવામાં આવશે અને દરેક અરજીની વ્યક્તિગત સ્તરે કડકાઈથી તપાસ કરવામાં આવશે. યુએસસીઆઇએસ (USCIS) એ તેના પોલિસી ડોક્યુમેન્ટમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ, અસ્થાયી કર્મચારીઓ અને પ્રવાસીઓ મર્યાદિત સમયગાળા અને વિશેષ હેતુ માટે અમેરિકા આવે છે. તેમનું અમેરિકા આવવું એ ગ્રીન કાર્ડ પ્રક્રિયાનું પહેલું પગલું ન ગણાવું જોઈએ. આ નવી નીતિની સૌથી વધુ અસર ભારતીય નાગરિકો પર પડવાની આશંકા છે, કારણ કે અમેરિકામાં H-1B વિઝા ધારકો અને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ અરજદારોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે.