નવી દિલ્હીઃ ગત ઑગસ્ટ મહિનામાં માગની સ્થિતિ મંદ પડવાથી ઉત્પાદન અને નવા ઓર્ડરોનો પ્રવાહ પણ ધીમો પડતાં દેશનો ઉત્પાદન ક્ષેત્રનો વૃદ્ધિદર ઘટીને પાંચ વર્ષની નીચી 52.8ની સપાટીએ પહોંચ્યો હોવાનું માસિક સર્વેક્ષણમાં જણાવ્યું છે.
ગત ઑગસ્ટ મહિનાનો સિઝનલી એડજસ્ટેડ એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) આગલા જુલાઈ મહિનાના 53.5 પૉઈન્ટ સામે ઘટીને 52.8ની સપાટીએ રહેવાની સાથે ઉત્પાદન ક્ષેત્રમાં છેલ્લાં પાંચ વર્ષની સૌથી નબળી કામગીરી જોવા મળી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે સામાન્યપણે 50ની ઉપરનો પીએમઆઈ આંક ક્ષેત્રમાં વિસ્તરણનો અને 50ની નીચેનો આંક ઘટાડાનો નિર્દેશ આપતો હોય છે. તેમ જ આ આંકની આકારણી નવાં ઓર્ડરો, ઉત્પાદન, રોજગારમાં ઘટાડા-વધારા, પુરવઠાકારો તરફથી થતી ડિલિવરીના સમયગાળા અને ખરીદીના સ્ટોકની માહિતી પરથી કરવામાં આવે છે.
સર્વેક્ષણ અનુસાર સમીક્ષા હેઠળના મહિનામાં માની સ્થિતિ મંદ પડી હોવાથી સ્વભાવિકપણે ઓછી ખરીદી અને સ્ટોકનું ઓછું પ્રમાણ રહ્યું હતું. તેમ જ રોજગારીનાં સ્તરમાં પણ ધીમો ઘટાડો આવ્યો હતો. ગત ઑગસ્ટ મહિનામાં સતત ત્રીજા મહિનામાં ભારતના પીએમઆઈ આંકમાં ઘટાડાતરફી વલણ રહેતાં ઑગસ્ટ, 2021 પછીની સૌથી નીચી 52.8ની સપાટીએ રહ્યો હતો જે 50ની ઉપર હોવાથી ઉત્પાદનમાં વિસ્તરણના સંકેત આપે છે, પરંતુ તેની ગતિ મંદ પડી હોવાનું દર્શાવે છે, એમ એચએસબીસીના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું.
એકંદરે ગત ઑગસ્ટ મહિનામાં બજારની નબળી સ્થિતિ તેમ જ અમુક ઉત્પાદનોમાં માગ નિરસ રહેતાં નવા ઓર્ડરોમાં વૃદ્ધિ થઈ છે, પરંતુ વૃદ્ધિની ગતિ પાંચ વર્ષની નીચી સપાટીએ રહી હોવાનું સર્વેક્ષણના પ્રતિસાદમાં જણાયું છે.
જોકે, નિકાસ ક્ષેત્રે ખાસ કરીને ઑસ્ટ્રેલિયા, જર્મની, ચીન, સ્પેન, થાઈલેન્ડ અને અમેરિકાની માગને ટેકે નિકાસ વેચાણમાં વધારો થયો છે. તેમ છતાં આંતરરાષ્ટ્રીય ઓર્ડરના વિસ્તરણનો દર જુલાઈની સરખામણીમાં મંદ પડ્યો છે. તેમ જ ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારના મોરચે અંદાજે અઢી વર્ષનાં લાંબા સમયગાળા પછી ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અમુક કંપનીઓએ જ ઓછી આવશ્યકતાને ધ્યાનમાં લઈ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો હતો.