Thu Oct 01 2026

Logo

મુંબઈનું ટેન્શન વધશે: મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે 12 સપ્ટેમ્બર પછી મુંબઈ મોરચો કાઢવા મક્કમ

2026-09-10 17:15:08
Author: Mumbai Samachar Team
મુંબઈનું ટેન્શન વધશે: મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે 12 સપ્ટેમ્બર પછી મુંબઈ મોરચો કાઢવા મક્કમ

જાલના: મુંબઈનો પ્રસ્તાવિત મોરચો નિશ્ચિત છે અને 12 સપ્ટેમ્બરે તેમના વર્તમાન વિરોધ સ્થળ પર સમર્થકો એકઠા થયા પછી એકત્રીકરણની તારીખ જાહેર કરવામાં આવશે એમ મરાઠા અનામતના આંદોલનકર્તા મનોજ જરાંગેએ કહ્યું છે. મરાઠા અનામત અંગે ભૂખ હડતાળ ગુરુવારે 13મા દિવસમાં પ્રવેશી ત્યારે તેમણે કહ્યું કે તેઓ રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ આવે એની રાહ નથી જોવાના.

જરાંગેએ મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંતરવાલી સરાટીમાં સંવાદદાતાઓને જણાવ્યું કે 'હું મુંબઈ જવાનો જ છું. 12 સપ્ટેમ્બરે એકઠા થયા પછી તારીખ જાહેર કરવામાં આવશે. જરાંગે સરાટી ખાતે અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર બેઠા છે.  

જરાંગેનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે ત્યારે તેઓ કુણબી પ્રમાણપત્રો આપવા માટેના કેમ્પ કેવી રીતે યોજવામાં આવે છે અને શું તે ચાલી રહેલા આંદોલનને કારણે યોજાઈ રહ્યા છે તેનું નિરીક્ષણ કરશે. 

બુધવારે તેમણે રાજ્ય પ્રધાનઅને મરાઠા ક્વોટા સબ-કમિટીના અધ્યક્ષ રાધાકૃષ્ણ વિખે પાટિલ પર માત્ર મીઠી વાતો અને ખાતરીઓ આપી સમુદાય સાથે દગો કરવાનો આરોપ કર્યો  હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ 12 સપ્ટેમ્બર પછી મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરશે.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેનાના પ્રધાન સંજય શિરસાટ પર નિશાન સાધી જરાંગેએ કહ્યું કે શિરસાટના કારણે શિંદે સાથેના તેમના સંબંધો બગડ્યા હતા.