Wed Sep 09 2026

Logo

મહારાષ્ટ્ર પોલીસ મુખ્યાલયમાં વૃક્ષની ડાળી તૂટી પડતાં એકનું મૃત્યુ: વાહનોને નુકસાન

2026-04-01 20:20:47
Author: Yogesh D. Patel
મહારાષ્ટ્ર પોલીસ મુખ્યાલયમાં વૃક્ષની ડાળી તૂટી પડતાં એકનું મૃત્યુ: વાહનોને નુકસાન

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આવેલા મહારાષ્ટ્ર પોલીસ મુખ્યાલયમાં વૃક્ષની ડાળી તૂટી પડતાં 45 વર્ષના શખસનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર વાહનને નુકસાન થયું હતું. મૃતકની ઓળખ અનિલ ભાગોજી ગોરે તરીકે થઇ હોઇ તે પીડબ્લ્યુડીનો કર્મચારી હોવાનું જાણવા મળ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ કોલાબા વિસ્તારમાં શહીદ ભગતસિંહ માર્ગ પર મહારાષ્ટ્ર પોલીસ મુખ્યાલયના પરિસરમાં બુધવારે સાંજે આ ઘટના બની હતી. ગુલમોહર વૃક્ષની મોટી ડાળી તૂટીને પરિસરમાં પાર્ક કરાયેલા ચાર વાહન પર પડી હતી, જેમાં વાહનોને નુકસાન થયું હતું અને અનિલ ગોરે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

બનાવની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો, પોલીસ ટીમ તથા પાલિકાના કર્મચારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.દરમિયાન ઘવાયેલા અનિલ ગોરેને સારવાર માટે ત્વરિત ખાનગી વાહનમાં સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. કોલાબા પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.