Mon Jul 27 2026

Logo

મમતા બેનર્જી વિધાનસભામાં વિપક્ષ નેતાની નિયુકિતને હાઇકોર્ટમાં પડકારશે

2026-06-05 19:55:23
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ભાજપ વિરુદ્ધ સતત વિરોધ કરી રહ્યા છે. મમતા બેનર્જી બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને વિરોધ પક્ષના નેતાનો દરજ્જો આપવાના નિર્ણયને કોલકાતા હાઇકોર્ટમાં પડકારશે.

અભિષેક બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ 

આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠકમાં મમતા બેનર્જીએ બળવાખોર ધારાસભ્યોના વિરોધ છતાં  ભત્રીજા અભિષેક બેનર્જીને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. મમતા બેનર્જી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે. આ બેઠકમાં માત્ર પસંદગીના નેતાઓ જ હાજર રહ્યા હતા. 

અનેક રાજકીય પડકારોનો સામનો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટી અનેક રાજકીય પડકારોનો સામનો કરી રહી છે. મમતા બેનર્જીના નિવાસસ્થાને પહોંચેલા લોકોમાં ભૂતપૂર્વ ધારાસભ્ય ચંદ્રિમા ભટ્ટાચાર્ય, રાજ્યસભા સાંસદ ડોલા સેન, સ્વરૂપનગર ધારાસભ્ય બીના મંડલ, લોકસભા સાંસદ અભિષેક બેનર્જી અને ભૂતપૂર્વ મંત્રી રાજીબ બેનર્જીનો સમાવેશ થાય છે.

તમામ પાર્ટી સમિતિઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું

જ્યારે ઘણા ટીએમસી બળવાખોરોએ અગાઉ અભિષેક બેનર્જી સામે ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો હતો. તેમની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. પરિણામે  મમતા તેમની સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે અંગે ઉત્સુકતા હતી.આ અગાઉ બુધવારે, ટીએમસીએ તમામ પાર્ટી સમિતિઓ અને ફ્રન્ટલ સંગઠનોને વિસર્જન કરી દીધા હતા. શુક્રવારની બેઠક દરમિયાન  તમામ પાર્ટી સમિતિઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.