Thu Apr 16 2026

Logo

ગાંધી પરિવારે બલિદાન આપ્યા, તેના પર ટિપ્પણીનો ભાજપને કોઈ હક નથી: મલ્લિકાર્જુન ખડગે

2026-04-07 14:09:00
Author: Devayat Khatana
Article Image

દિસપુર: અસમમાં પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આસામ સરકાર, ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશ માટે સારી સરકાર અને રાજ્યમાં સારા મુખ્ય પ્રધાનની ખાસ જરૂર હોય છે. તેમણે કહ્યું હતું કે અસમમાં લડાઈ કોઈ પક્ષની નથી, હેમંત બિસ્વા સરમા અને લોકોના વિરોધની છે. લોકો જ સરકારને હટાવવા માંગે છે અને અમે તેમનું સમર્થન કરી રહ્યા છીએ. 

તેમણે આગળ કહ્યું હતું કે અસમમાં અમારી સરકાર બની રહી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના સર્વેમાં જાણવા મળ્યું છે કે માત્ર સામાન્ય બહુમતીથી નહિ પણ 70 કરતાં વધારે બેઠકો જીતી રહ્યા છીએ. તેમણે અસમ અને અસમની બહાર વસતા રાજ્યના નાગરિકોને ખાસ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે અસમ માટે એક વિનમ્ર, ભદ્ર અને સુશીલ મુખ્ય પ્રધાનને પસંદ કરો. તેમણે જુબીન ગર્ગના મોતના મુદ્દાને ટાંકીને કહ્યું હતું કે છ મહિના બાદ ફાસ્ટટ્રેક કોર્ટ બનવવામાં આવી, તેમણે કોઈને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર બનશે એટલે 100 દિવસમાં જ ન્યાય આપવામાં આવશે. 

ખડગેએ આરોપ મુકતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એકતરફ એવું કહી રહ્યા છે કે કોઈ ભ્રષ્ટાચારીનું સમર્થન નહિ કરે અને બીજી તરફ હેમંત સરમા ખૂબ જ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવા છતાં તેમની તપાસ કરવામાં નથી આવતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે હેમંત સરમાને ભ્રષ્ટાચાર કરવાની છૂટ નરેન્દ્ર મોદીએ જ આપી રાખી છે. મોદી પોતે પણ પાર્ટી માટે પૈસા ભેગા કરે છે અને અસમના મુખ્ય પ્રધાનથી પણ કરાવે છે. 

આ સાથે જ તેમણે ભાજપ દ્વારા રાહુલ ગાંધી પર કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી કે ભાજપને રાહુલ ગાંધી કે ગાંધી પરિવાર વિશે ટિપ્પણી કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી.  આ પરિવારના ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ  દેશને એક રાખવા માટે બે બે વ્યક્તિઓનું બલિદાન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યારે બધી પાર્ટીએ મળીને જ્યારે સોનિયા ગાંધીને પીએમ પદની ઓફર કરી ત્યારે તેમણે બે વખત મનમોહનસિંહને પીએમ બનાવ્યા, શું આ એમની પાર્ટીમાં શક્ય છે. ગાંધી પરિવાર છેક 1989માં સત્તામાં હતી, ત્યારથી લઈને આજદિન સુધી તે પરિવારમાંથી એક સીએમ પણ નથી બન્યો. તેમણે આક્ષેપ કર્યો હતો કે પીએમ મોદીએ  ખોટું બોલી બોલીને  તેમના પદની ગરિમા પણ ગુમાવી દીધી છે.