Thu Aug 20 2026

Logo

મલાડમાં ગેરકાયદે રીતે કાટમાળનો નિકાલ કરનારા સામે પોલીસમાં ગુનો દાખલ

2026-08-05 14:10:18
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈમાં પહેલી એપ્રિલ, ૨૦૨૬ના રોજ ક્ન્સ્ટ્રકશન ઍન્ડ ડિમોલિશન (સી ઍન્ડ ડી) વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અમલમાં આવ્યા ત્યારથી મુંબઈ મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ કરનારા અને કાટમાળનો ગમે ત્યાં નિકાલ કરનારા સામે આકરાં પગલાં લેવાનું પ્રમાણ વધારી દીધું છે. નિયમ મુજબ આ કચરો કરનારા માટે તેનો નિકાલ વૈજ્ઞાનિક રીતે અથવા તેના રિસાયક્લિગંને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. છેલ્લા  ત્રણ મહિનામાં પાલિકાએ  ૧.૦૩ લાખ મેટ્રિક ટન સી એન્ડ ડી કચરો એકત્ર કર્યો છે અને ૭૭,૦૪૮ મેટ્રિક ટન પર પ્રક્રિયા કરી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી દંડ પેટે ૨૩.૧ લાખ રૂપિયા વસૂલ્યા છે, જેમાં તાજેતરમાં મલાડના ધારાવલીમાં મેનગ્રોવ્ઝ પર ગેરકાયદે રીતે કાટમાળ ફેંકી જનારા સામે પાલિકાએ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

મુંબઈ દરરોજ લગભગ ૮,૦૦૦ મેટ્રિક જેટલો કાટમાળ (ક્ધસ્ટ્રકશન સંબંધિત ડેબરીઝ) નીકળેે છે. પાલિકાએ ગેરકાયદે ડમ્પિંગ માટે ૨૦,૦૦૦ રૂપિયા તો કાટમાળના  અનધિકૃત પરિવહન માટે ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ લાદીને અમલીકરણને કડક બનાવ્યું છે, જ્યારે જુનિયર સુપરવાઇઝરને વોર્ડ સ્તરે અપરાધીઓને દંડિત કરવા માટે અધિકાર આપ્યો છે. વોર્ડ અધિકારીઓને પણ દેખરેખને સઘન બનાવવા અને ગેરકાયદે ડમ્પિંગ, ફરી-ફરી ગુનો કરનારા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ઉલ્લંઘન  કરનારા પર કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

રસ્તાઓ, ફૂટપાથ, ખાલી પ્લોટ, મેન્ગ્રોવ્સ અને તળાવ, નદીમાં  કાટમાળ ફેંકવા એ સજાપાત્ર અપરાધ છે તેવી ચેતવણી આપતા પાલિકાએ જણાવ્યું હતું કે બે અધિકૃત રિસાયક્લિગં સુવિધાઓ કાર્યરત છે, જે સીધા નિકાલ અને ડોરસ્ટેપ કલેક્શન (બિલ્િંડગની બહારથી કાટમાળ ઉપાડવો) ઓફર કરે છે. 

એપ્રિલ અને જુલાઈ ૨૦૨૬ની વચ્ચે મેટ્રો વેસ્ટ હેન્ડલિંગ પ્રા. લિ.એ ૩૮,૮૮૦ મેટ્રિક ટન કાટમાળ ભેગો કર્યો હતો અને ૪૫,૬૭૮ મેટ્રિક ટન પ્રોસેસ કર્યો હતો, જ્યારે એજી એનવારો ઈન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઈવેટ કંપનીએ ૬૪,૮૮૫ મેટ્રિક ટન કાટમાળ ભેગો કર્યો હતો અને ૩૧,૩૭૦ મેટ્રિક ટન પર  પ્રક્રિયા કરીને બાંધકામ કચરા (કાટમાળ)ના વૈજ્ઞાનિક નિકાલ અને રિસાયક્લિગંને પ્રોત્સાહન આપ્યું હતું.

પાલિકા એક સંકલિત સી ઍન્ડ ડી વેસ્ટ મેનેજમેન્ટ પોર્ટલ વિકસાવશે જે ડિજિટલ રીતે બાંધકામના કાટમાળને જયાંથી નીકળે છે ત્યાંથી નિકાલ સુધી ટ્રેક કરશે. ઓટોડીસીઆર સિસ્ટમ સાથે સંકલિત, પોર્ટલ પ્રોજેક્ટ મુજબના કાટમાળનો અંદાજ લગાવશે, જ્યારે જીપીએસ-સક્ષમ, જીઓ-ફેન્સ્ડ વાહનો માત્ર અધિકૃત સુવિધાઓ સુધી પરિવહનની ખાતરી કરશે. કોઈપણ માર્ગ વિચલન અથવા ગેરકાયદે ડમ્પિંગ તાત્કાલિક અમલીકરણ માટે રીઅલ-ટાઇમ ચેતવણીઓને ટ્રિગર કરશે.